Dabhoi

ડભોઇ: દાતાઓના લાખોના દાન પર પાલિકાએ ફેરવ્યું પાણી; જર્જરિત પરબો અને ગંદકીના કારણે તરસ્યા વટેમાર્ગુઓ પરેશાન

Published

on

  • તંત્રની ઉદાસીનતા: ડભોઇમાં પ્રજાની તરસ છીપાવવા બનેલી પરબો બની ‘શોભાના ગાંઠિયા’.
  • ગાયબ થઈ પરબો: દાતાઓએ બનાવેલી 6 પૈકી 2 પરબોના નામોનિશાન મટ્યા; બાકીની ચાર પણ જર્જરિત.
  • ગંદકીનું સામ્રાજ્ય: એસ.ટી. ડેપો પાસેનું કુલર સફાઈના અભાવે દૂષિત પાણી ઓકી રહ્યું છે; મુસાફરો પાણી માટે વલખાં મારે છે.
  • દુરુપયોગ: પરબના પાણીનો ઉપયોગ વટેમાર્ગુઓને બદલે લારી-ગલ્લાવાળા વાસણ ધોવા માટે કરતા હોવાનો આક્ષેપ.

વડોદરા/ડભોઇ: ડભોઇ નગરમાં સેવાભાવી દાતાઓ દ્વારા લાખો રૂપિયાના ખર્ચે વટેમાર્ગુઓની તરસ છીપાવવા માટે પીવાના પાણીની પરબો અને ઇલેક્ટ્રિક કુલરો મૂકવામાં આવ્યા હતા. પરંતુ ડભોઇ નગરપાલિકાની ગંભીર બેદરકારી અને ઉદાસીનતાને કારણે આજે આ સુવિધાઓ ખંડેર હાલતમાં ફેરવાઈ રહી છે. દાતાઓના ઉમદા હેતુ પર પાલિકા તંત્રની નિષ્ક્રિયતા ભારે પડી રહી છે.

🧐શોભાના ગાંઠિયા જેવી હાલત:

શહેરમાં વિવિધ વિસ્તારોમાં કુલ 6 પરબો બનાવવામાં આવી હતી. જેમાંથી ભારત ટોકીઝ અને એસ.ટી. ડેપો પાસેની પરબો તો સાવ ગાયબ થઈ ગઈ છે. બાકી બચેલી ચાર પરબોની હાલત અત્યંત દયનીય છે. ટાવર પાસે મહાલક્ષ્મી બેંકના સહયોગથી બનેલી પરબ હોય કે હીરાભાગોળની પરબ, ક્યાંય યોગ્ય સફાઈ કે મરામત જોવા મળતી નથી. આક્ષેપ છે કે ઠંડા પાઉચ વેચનારાઓ દ્વારા વારંવાર નળ તોડી નાખવામાં આવે છે, જે મહિનાઓ સુધી રિપેર થતા નથી.

⚠️મુસાફરોની હાલાકી:

એસ.ટી. ડેપો પાસે કાઠિયાવાડી પરિવાર દ્વારા ભેટ અપાયેલું ઠંડુ કુલર યોગ્ય જાળવણીના અભાવે દૂષિત પાણી ફેંકી રહ્યું છે. આશ્ચર્યની વાત એ છે કે, જે પાણી મુસાફરો માટે હતું, તેનો ઉપયોગ સ્થાનિક લારી-ગલ્લાવાળાઓ વાસણ ધોવા કે અન્ય કામો માટે કરી રહ્યા છે, જ્યારે બિચારો મુસાફર કાળઝાળ ગરમીમાં પાણીના એક ટીપાં માટે વલખાં મારી રહ્યો છે.

🤨લોકરોષ:

નગરજનોમાં પાલિકા વિરુદ્ધ ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. લોકોની માંગ છે કે દાતાઓએ જે વિશ્વાસ સાથે લાખોનું દાન આપ્યું હતું તેની મર્યાદા જાળવી, પાલિકા તાત્કાલિક તમામ પરબોની સફાઈ કરાવે અને નવા નળ નાખીને તેને કાર્યરત કરે.

એક તરફ સરકાર ‘નલ સે જલ’ ની વાતો કરે છે, ત્યારે બીજી તરફ ડભોઇની હયાત પરબો તરસ્યા લોકો માટે નકામી સાબિત થઈ રહી છે. હવે જોવાનું એ રહેશે કે પાલિકા કુંભકર્ણની નિદ્રામાંથી ક્યારે જાગે છે.

Trending

Exit mobile version