- બેકાબુ કાર અકસ્માતની ઘટનામાં ચાલકને આંખ અને માથાના ભાગે ગેબી માર વાગ્યો હતો. કારમાં બેઠેલા ચાલકના માતાને પણ વાગ્યું હતું.
વડોદરા ગ્રામ્યના ચાણોદ પોલીસ મથક વિસ્તારમાં તહેવાર ટાણે બેકાબુ બનેલી કાર પંચરની દુકાનમાં ઘૂસી ગઇ હતી. જેને પગલે દુકાન અને વાહનોને મોટું નુકશાન પહોંચ્યું છે. સમગ્ર ઘટનામાં કાર ચાલક અને તેની માતાને પણ નાની-મોટી ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે. આખરે સમગ્ર મામલે બેફામ કાર ચાલક સામે ચાણોદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. જે બાદ પોલીસે આ મામલે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.
ચાણોદ પોલીસ મથકમાં રમેશભાઇ છગનભાઇ તડવીએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેઓ આકોટી ખાતે રોડ સાઇડમાં પોતાના પરિવાર સાથે રહે છે. તાજેતરમાં દિવાળી હોવાથી દિકરી જમાઇ તેમને ત્યાં આવેલા છે. ગતરોજ ચાર વાગ્યે તેમના પાડોશી વિનુભાઇ તડવી ઘર આગળ પતરાની અડાળી (દિવાલ) એ બેઠા હતા. તેવામાં એક કારએ આવીને અડાળી (દિવાલ) તોડીને ઘરમાં ઘૂસી ગઇ હતી. જેથી તેઓ દોડી આવ્યા હતા, સાથે જ આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા. અને કાર ચાલકને બહાર કાઢવામાં આવ્યો હતો. ચાલકે પોતાનું નામ દર્પિતભાઇ અમૃતલાલ કોન્ટ્રાક્ટર (રહે. આલેખ ટેનામેન્ટ, ચાવડાપુરા, આણંદ) હોવાનું જણાવ્યું હતું.
આ ઘટનામાં ચાલકને આંખ અને માથાના ભાગે ગેબી માર વાગ્યો હતો. કારમાં બેઠેલા ચાલકના માતાને પણ વાગ્યું હતું. ત્યાર બાદ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે 108 માકફતે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં વિનુભાઇના ઓટલા પર આવેલી દિવાલ, પતરાની છતવાળી પંચરની કેબિન, બે બાઇક તથા એક કારને મળીને અંદાજીત રૂ. 3.25 લાખ જેટલું નુકશાન પહોંચવા પામ્યું છે. ઉપરોક્ત મામલે બેદરકાર કાર ચાલક દર્પિતભાઇ અમૃતલાલ કોન્ટ્રાક્ટર (રહે. આલેખ ટેનામેન્ટ, ચાવડાપુરા, આણંદ) સામે ડભોઇ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ પોલીસે આરોપી સામે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.