Vadodara

ડભોઇ: ખેડવા આપેલુ ખેતર પચાવી પાડતા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ

Published

on

વડોદરા પાસે ડભોઇમાં સરકાર દ્વારા આપવામાં આવેલી જમીન પરિવારે ખેતી કરવા માટે આપી હતી. ત્યાર બાદ ખેતી કરનાર શખ્સે જમીન પચાવી પાડી, તેમાં થયેલી ઉપજનો કોઇ પણ હિસ્સો મુળ માલિકને આપ્યો ન્હતો. આખરે આ મામલે લેન્ડ ગ્રેબિંગની કલમો હેઠળ ગુનો નોંધવા માટે મુળ માલિકે જિલ્લા કલેક્ટરને અરજી કરી હતી. આખરે ડભોઇ પોલીસ મથકમાં લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

Advertisement

ડભોઇ પોલીસ મથકમાં સુણીયાભાઇ બુસરીયાભાઇ વસાવા (ઉં. 60) (રહે. માંગરોલ વસાહત, ડભોઇ, વડોદરા) (હાલ રહે. કરણેટ વસાહત – 1, ડભોઇ) એ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેઓ કાકાના ઘરે પરિવાર સાથે રહે છે. અને ખેતીકામ કરે છે. પિતા બુસરીયાભાઇ વસાવાનું ત્રીસ વર્ષ પહેલા દેહાંત થયું હતું. તેમનું વતન માકડખાડા, ગરૂડેશ્વર – નર્મદા હતું. સરદાર સરોવર ડેમ બનતા તેમની જમીનો ડુબાણમાં જતા સરકાર દ્વારા વડોદરા જિલ્લાના કરણેટ ગામની સીમમાં 5 એકર જમીન તેમની માતા રેવાબેન બુસરીયાભાઇ વસાવાને આપી હતી. પાંચ વર્ષ પહેલા તેમના માતાનું અવસાન થયું હતું.

Advertisement

સરકાર દ્વારા ફાળવવામાં આવેલી જમીનો પૈકી સરવે નં – 116 તથા જુનો સરવે નં – 140 પૈકી 2/ પૈકી1 વાળી જમીન ગધડીયું ખેતર તરીકે ઓળખાય છે. આ ખેતર તેમણે કરણેટ ગામે, ઝવેરપુરામાં રહેતા સીંગાભાઇ ભયજીભાઇ વસાવાને 7 વર્ષ પહેલા ખેડવા માટે આપ્યું હતું. જે સીંગાભાઇએ બે વર્ષ સુધી ખેતી કરીને ખેતર પરત સોંપવાનું હતું. પરંતુ તેમણે બળજબરી પૂર્વક આ ખેતર પડાવી લીધું હતું. અને જમીનની ઉપજનો કોઇ પણ ભાગ આજદિન સુધી તેમને આપ્યો નથી. હાલ ખેતર તેઓના કબ્જામાં છે. અને તેમાં તેઓ ગેરકાયદેસર રીતે ખેતી કરે છે.

સીંગાભાઇએ બળજબરી પૂર્વક ખેતરમાં કબ્જો કરતા આ અંગે લેન્ડ ગ્રેબીંગ અંતર્ગત કાર્યવાહી કરવા માટે તેમણે જિલ્લા કલેક્ટરને અરજી કરી હતી. આખરે ડભોઇ પોલીસ મથકમાં જમીન પચાવી પાડનાર સિંગાભાઇ ભયજીભાઇ વસાવા સામે ધ ગુજરાત લેન્ડ ગ્રેબીંગ એક્ટ – 2020 અંતર્ગત લેન્ડ ગ્રેબીંગની ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

Advertisement

Trending

Exit mobile version