વર્ષ 2022માં ખેડા જિલ્લાના ચકલાસી પોલીસ મથકમાં પ્રોહીબિશનના ગુનામાં વોન્ટેડ આરોપીને વડોદરા ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે ઝડપી પાડ્યો હતો. આરોપી ઉપર વડોદરા શહેરમાં 22 જેટલા પ્રોહીબિશનના ગુના નોંધાયેલા છે. જ્યારે એકવાર પાસા તેમજ તડીપારની સજા પણ ભોગવી ચુક્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર વર્ષ 2022માં ચકલાસી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં ચકલાસી ઉત્તરસંડા બ્રિજ નીચે એક્સપ્રેસ હાઈવે પર એક મારુતિ સ્વીફ્ટ કારમાં વિદેશી શરાબનો મોટો જથ્થો ઝડપાયો હતો. ચકલસી પોલીસે આશરે ચાર લાખનો મુદ્દામાલ કબ્જે કરીને આરોપી વિકાસ ઉર્ફે ગદી મહેન્દ્રભાઈ સોલંકી, રહે. ગદાપુરા,ગોત્રીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.
વર્ષ 2022થી ધરપકડ ટાળવા માટે નાસ્તો પડતો આરોપી વડોદરા શહેરમાં આવ્યો હોવાની માહિતી મળતા વડોદરા ક્રાઈમ બ્રાન્ચે વોચ ગોઠવી હતી અને આરોપીને તેના ઘર નજીકથી ઝડપી પાડવામાં આવ્યો હતો.
પકડાયેલા આરોપી વિકાસ ઉર્ફે ગદી મહેન્દ્રભાઈ સોલંકી ઉપર વડોદરા શહેરના ગોત્રી અને ગોરવા પોલીસ સ્ટેશનમાં દેશી તેમજ વિદેશી શરાબના 22 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. દારૂની ગુનાહિત પ્રવૃત્તિના કારણે આરોપીને એક વખત પાસા તેમજ એક વખત વડોદરા શહેરમાંથી હદપાર કરવામાં આવ્યો હતો. તેમ છતાં વિદેશી શરાબની હેરાફેરી સાથે સંકળાયેલો હોવાથી ખેડા જિલ્લાના ચકલાસી પોલીસ સ્ટેશનના નોંધાયેલા પ્રોહીબિશનના કેસમાં વોન્ટેડ આરોપીને વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે.