- આયોજકો દ્વારા અનેક પ્રકારે ગેરરીતિ આચરવામાં આવી હોવાનો આરોપ પણ તેમણે અરજી સ્વરૂપે કરેલી ફરિયાદમાં લગાવ્યો છે.
- ટેસ્ટ ઓફ વડોદરાના આયોજકોની મુશ્કેલી વધી
- સામાજિક કાર્યકરે અરજી કરી, વીડિયો વાયરલ થતા પોલીસ ફરિયાદ નોંધાઇ
- ટેસ્ટ ઓફ વડોદરા પહેલાથી જ વિવાદોમાં આવતું રહ્યું છે
વડોદરાના સેવાસી અંકોડિયા સ્થિત શિવાય ફાર્મમાં ટેસ્ટ ઓફ વડોદરા નામની ઇવેન્ટ ચાલી રહી છે. આ ઇવેન્ટમાં રાજ્ય સરકારના ડ્રોન નહીં ઉડાડવા તેમજ ફટાકડા નહીં ફોડવાના નિયમોનો ઉલાળીયો કરવામાં આવ્યો હોવાનો આરોપ સામાજિક કાર્યકર દ્વારા લગાડવામાં આવ્યો છે. આ અંગે સામાજિક કાર્યકર રાજેશ ગોયલ દ્વારા વડોદરા તાલુકા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટરને અરજી સ્વરૂપે ફરિયાદ કરવામાં આવી છે. જેમાં ટેસ્ટ ઓફ વડોદરાના સંલાચકો વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરીને વધુ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. બીજી તરફ ડ્રોનનો વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થતા પોલીસ એક્શનમાં આવી હતી. અને ડ્રોન ઉડાડનારને શોધી કાઢીને તેના વિરૂદ્ધ જાહેરનામા ભંગની ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
વડોદરાના સેવાસી ખાતે આવેલા શિવાય ફાર્મમાં ટેસ્ટ ઓફ વડોદરા નામથી મનોરંજનની ઇવેન્ટ શરૂ કરવામાં આવી છે. આ ઇવેન્ટ 24 દિવસ સુધી ચાલશે. જેમાં વિવિધ આર્ટીસ્ટના લાઇવ પરફોર્મન્સ સહિતના કાર્યક્રમોની આયોજકો દ્વારા જાહેરાત કરવામાં આવી છે. હાલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની તણાવભરી પરિસ્થિતીના કારણે ફટાકડા ફોડવા તેમજ ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
ટેસ્ટ ઓફ વડોદરાના સંચાલકો દ્વારા ફટાકડા ફોડવાની સાથે ડ્રોન ઉડાડવામાં આવ્યો હોવાનો આરોપ સામાજીક કાર્યકર રાજેશકુમાર ગોયલ દ્વારા લગાડવામાં આવ્યો છે. આ સાથે જ આયોજકો દ્વારા અનેક પ્રકારે ગેરરીતિ આચરવામાં આવી હોવાનો આરોપ પણ તેમણે અરજી સ્વરૂપે કરેલી ફરિયાદમાં લગાવ્યો છે. આ વચ્ચે ટેસ્ટ ઓફ વડોદરામાં સાચેત અને પરંપરાના કાર્યક્રમનો ડ્રોન વીડિયો ભારે વાયરલ થવા પામ્યો છે. હવે આ મામલો સપાટી પર આવ્યા બાદ આયોજકો પર શું કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું રહ્યું.
બીજી તરફ આ ઘટનાનો ડ્રોન વીડિયો વાયરલ થતા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જે બાદ આયોજક નિકુજ પારેખને બોલાવીને તેની પુછપરછ કરવામાં આવી હતી. જે દરમિયાન તેણે જણાવ્યું કે, આ વીડિયો આયોજકોની મંજુરી વગર લેવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું. આ મામલે ડ્રોન વીડિયો બનાવનાર અક્ષય ચંદુભાઇ પરમાર વિરૂદ્ધ જાહેરનામાં ભંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.