વડોદરા પાલિકા દ્વારા જુનિયર ક્લાર્કની ભરતી (વર્ષ 2023) માટેનું વેઇટીંગ લિસ્ટ ક્લિયર કર્યા બાદ પણ ઉમેદવારોને નિમણુંક પત્રો આપવામાં આવ્યા નથી. આ મામલે અગાઉ રજુઆત કર્યા બાદ પણ કોઇ નિવેડો આવ્યો નથી. જેથી આજે ઉમેદવારો પાલિકાની કચેરીએ પોસ્ટર સાથે પહોંચ્યા હતા. અને પોતાની માંગ સત્તાધીશો સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો.
Advertisement
એક તરફ પાલિકા દ્વારા ભરતી માટે નિમણુંક પત્રો આપવા માટે વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે. અને બીજી તરફ પાલિકા દ્વારા જુનિયર ક્લાર્કની ભરતી માટેનું વેઇટીંગ લિસ્ટ ક્લિયર કર્યા બાદ પણ લાયક ઉમેદવારોને નિમણુંક પત્રો માટે ટલ્લાવામાં આવી રહ્યા છે. વિતેલા એક વર્ષથી રજુઆત કરવા છતાં તેમને માત્ર જુઠ્ઠા વાયદા સિવાય કંઇ હાથ લાગ્યું નથી. જેથી આજે 25 જેટલા ઉમેદવારો પોસ્ટર સાથે પાલિકાની કચેરીએ પહોંચ્યા છે. અને પોતાની રજુઆત કરવા માટે કમિશનરની મુલાકાતનો પ્રયાસ કરી રહ્યા છે. સુત્રોએ જણાવ્યું હતું કે, 80 જેટલા ઉમેદવારોના નિમણુંક પત્રો અટકી પડ્યા છે. આ ભરતી પ્રક્રિયા 2023 માં હાથ ધરાઇ હતી. જેનું પરિણામ 2024 માં જાહેર કરાયું હતું. બાદમાં 80 જેટલા ઉમેદવારોની પ્રતિક્ષા યાદી બહાર પાડવાની હતી. જે પાડતા પાડતા લાંબો સમય નીકળી ગયો હતો. દિવાળી પર અમારા ડોક્યૂમેન્ટનું વેરીફીકેશન થઇ ગયું હતું. તે બાદ ફાઇનલ લિસ્ટ બહાર પડ્યું હતું. દર વખતે વહીવટી કારણ આગળ ધરીને 15 દિવસનો સમય માંગવામાં આવે છે.
પાલિકા પીડિત ઉમેદવાર રોનક રાદડીયાએ મીડિયાને જણાવ્યું કે, વિતેલા એક વર્ષથી અમારા નિમણુંક પત્રો અટક્યા છે. અમે પાલિકા કમિશનરને રજુઆત કરવા આવ્યા છીએ કે, અમને નિમણૂંક પત્રો આપવામાં આવે. અગાઉ અમે 17, માર્ચના રોજ રૂબરૂમાં ડે. મ્યુનિ. કમિ.ને રજુઆત કરી હતી. તેમણે આ મામલાનો ઉકેલ 15 દિવસમાં આવશે તેવી બાંહેધારી આપી હતી. આજે 20 દિવસથી વધુ સમય વિતી ગયો છતાં નિમણુંક પત્રો મળ્યા નથી. છેલ્લા એક વર્ષથી અમને અલગ અલગ સમય આપવામાં આવે છે. પરંતુ અમારૂ કામ અટકી રહ્યું છે. આ બાબતે અનેક રજુઆતો છતાં તેનો નિવેડો આવતો નથી.