આજરોજ વડોદરા ના ઝોન – 1 ડીસીપીની હાજરીમાં વિવિધ 7 પોલીસ મથકમાં પકડાયેલા દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે. જવાહર નગર પોલીસ મથક વિસ્તારમાં વિદેશી દારૂના જથ્થાને ખુલ્લી જગ્યામાં પાથરીને તેના પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે. આ તકે ઝોન – 1 ના ડીસીપી જુલી કોઠિયા સહિતના સક્ષમ અધિકારી હાજર રહ્યા છે. કોર્ટનો હુકમ મેળવ્યા બાદ તમામ પ્રક્રિયા અનુસરીના આ કામગીરી પાર પાડવામાં આવી હોવાનું ડીસીપીએ મીડિયા સાથેની વાતમાં જણાવ્યું છે.
વડોદરામાં પ્રોહીબીશનના કાયદાની અમલવારી પોલીસ દ્વારા કડક રીતે કરવામાં આવી રહી છે. જે અંતર્ગત ગેરકાયદેસર લઇ જવાતો, સંગ્રહ કરાતા વિદેશી દારૂના જથ્થો જપ્ત કરવામાં આવે છે. આ કાર્યવાહી વર્ષ દરમિયાન ચાલતી હોય છે. એક સમય બાદ વિવિધ કાર્યવાહીમાં જપ્ત કરવામાં આવેલા દારૂના જથ્થાનો કાયદેરસની રાહે નાશ કરવામાં આવતો હોય છે. આજે શહેરના ગોરવા, સયાજીગંજ, ફતેગંજ, લક્ષ્મીપુરા, નંદેસરી સહિત 7 પોલીસ મથકમાં પકડાયેલા વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે. જવાહર પોલીસ મથક વિસ્તારમાં આવેલી ખુલ્લી જગ્યા પર આ જથ્થા પર સરકારી તંત્રનું બુલડોઝર ફર્યું છે.
વડોદરાના ઝોન – 1 ના ડીસીપી જુલી કોઠીયાએ મીડિયાને જણાવ્યું કે, આજે 7 પોલીસ મથકમાં પકડાયેલા વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે. કોર્ટનો હુમક મેળવ્યા બાદ પોલીસ કમિશનરના સૂચન અનુસાર આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. જવાહર નગર પોલીસ મથક વિસ્તારમાં આ વિદેશી દારૂના જથ્થાનો નિકાલ કરવામાં આવી રહ્યો છે. કુલ મળીને અંદાજીત રૂ. 59 લાખના મુદ્દામાલનો નિકાલ કરાઇ રહ્યો છે.