વડોદરા જિલ્લાના વરણામાં પોલીસ મથકની હદમાં આવેલા નવી કારાલી ગામ પાસે બુટલેગરો દ્વારા ચાલી રહેલા શરાબના કટીંગ પર પોલીસે દરોડો પાડીને ત્રણ વાહનો સહિત 26 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે લીધો હતો. જ્યારે બુટલેગરને વોન્ટેડ જાહેર કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા શહેર તેમજ જિલ્લાના બુટલેગરો શરાબના કટીંગ માટે કેટલીક અવાવરી જગ્યાની શોધમાં હોય છે. જેમાં માનવ વસ્તીથી દૂર અવરજવર વિનાની જગ્યા પર શરાબની ગાડીઓ મંગાવીને તેનું કટીંગ કરીને અલગ અલગ વાહનોમાં શહેર જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પહોંચાડવામાં આવે છે. આવા અસ્થાયી શરાબના વેપલાને પકડવા માટે પોલીસને ઘણા પડકારો સહન કરવા પડતા હોય છે. જ્યારે વરણામાં પોલીસે ચોક્કસ બાતમીના આધારે મોટા પ્રમાણમાં વિદેશી શરાબના કટીંગને ઝડપી પાડ્યું છે.
વરણામાં પોલીસના સ્ટાફને બાતમી મળી હતી કે, નવા કરાલી ગામની સીમમાં ઇટોલાથી ચાણસદ જવાના રોડ ઉપર રેલવેના ઓવરબ્રિજની બાજુમાં આવેલા કાચા રસ્તા ઉપર કરાલી ગામનો બુટલેગર વસંત ચૌહાણ વિદેશી શરાબનું કટીંગ કરી રહ્યો છે.
જે બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા સ્થળ પર નાશભાગ મચી ગઈ હતી. પોલીસને સ્થળ પરથી એક બોલેરો પીકઅપ ,એક ક્રેટા કાર તેમજ આઈ ટેન કાર કબજે લીધી હતી. જે કારમાં ખચોખચ વિદેશી શરાબનો જથ્થો ભરેલો હતો.
પોલીસએ સ્થળ પરથી 104 જેટલી વિદેશી શરાબની પેટીઓ જેની કુલ કિંમત રૂ. 4,32,800 માં આવી છે. તેમજ વાહનો મળીને 26,59,500 રૂ.નો મુદ્દામાલ કબજે લીધો છે. જ્યારે બુટલેગર વસંત ભયજીભાઈ ચૌહાણ તેમજ સ્થળ પરથી ભાગી જનારા અજાણ્યા ઇસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.