Vadodara

કાળાબજારી પુરવાર થઈ, મેચની પૂર્વરાત્રીએ બે ઈસમો 17 ટિકિટો વેચવા નીકળતા ક્રાઇમ બ્રાન્ચે દબોચ્યા

Published

on

  • એક વ્યક્તિને 2 થી 5 ટીકીટનું બુકીંગ મળતું હોય તો 2 વ્યક્તિ પાસે 17 ટીકીટ ક્યાંથી આવી?
  • બંને પાસે અંતિમ દિવસે 17 ટીકીટ હતી, શરૂઆતથી કેટલી ટીકીટ હશે? કેટલી બમણી કિંમતે વેચી દીધી?
  • BCAના પારદર્શક સિસ્ટમમાં કાળાબજારીઓ ફાવી ગયા,વડોદરાના ક્રિકેટપ્રેમી દર્શકોને છેતરી લીધા!

વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ભારત ન્યુઝીલેન્ડની વનડે મેચ ની ટિકિટની કાળા બજારી કરતા બે યુવકોને ઝડપી પાડીને મોટા પ્રમાણમાં મેચના દર્શકની ટિકિટ જપ્ત કરી હતી. મહત્વની વાત એ છે કે, “બુક માય શો” જેવી એપ્લિકેશન પર બેથી વધુ ટિકિટ બુક થતી ન હોય તેમ છતાં આવા કાળા બજારી કરતા યુવકો પાસે આટલો મોટો ટિકિટ નો જથ્થો કેવી રીતે આવ્યો તેની તપાસ કરવી જરૂરી છે.

વર્ષોના અંતરાલ બાદ વડોદરામાં આંતરરાષ્ટ્રીય વનડે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઇને ક્રિકેટ પ્રેમી દર્શકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બીસીએના બનેલા નવા સ્ટેડિયમમાં દર્શકોના બેસવા માટેની વ્યવસ્થા અન્ય આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમ કરતા ઓછી હોવાના કારણે પાસની કાળા બજારી પ્રથમ દિવસથી શરૂ થઈ ગઈ હતી. બીસીએ દ્વારા પોતાના મેમ્બર્સને પ્રતિ મેમ્બર બે પાસ આપવામાં આવ્યા હતા જ્યારે બાકીની તમામ બેઠકો માટે “બુક માય શો” એપ્લિકેશનમાં સીધુ બુકિંગ કરવા માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી. સતત બે દિવસ સુધી માત્ર પાંચ મિનિટ માટે એપ્લિકેશન પર બુકિંગ થતા અનેકને મેચની ટિકિટ કાળાબજાર થઈ રહી હોવાની શંકા હતી. જ્યારે મેચની પૂર્વરાત્રીએ વડોદરા ક્રાઈમ બ્રાન્ચ છે ટિકિટની કાળાબજારી કરતાં બે યુવકોને ઝડપી પાડીને શંકાને સાચી સાબિત કરી છે.

વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચ ની ટીમને બાતમી મળી હતી કે, બે યુવકો મોટા પ્રમાણમાં ભારત ન્યુઝીલેન્ડ વચ્ચે 11 તારીખે યોજનારી વન-ડે મેચની દર્શકોની અલગ અલગ કેટેગરીની ટિકિટ બજાર ભાવ કરતા ઊંચા કિંમતે વેચવા માટે ફરી રહ્યા છે. જે બાતમીના આધારે ફતેપુરા ભાંડવાડા નાકા પાસે આવેલા પેટ્રોલ પંપ નજીક યુવકોને ઝડપી પાડ્યા હતા. પકડાયેલા યુવકો કેતનકુમાર શાંતિલાલ પટેલ રહે. છાણી, પાસે લેવલ-1ની 2000ની કિંમતની 8 ટિકિટો, લેવલ-2 ની 2000ની કિંમતની ચાર ટિકિટો એમ કુલ 12 ટિકિટો મળી આવી હતી. જ્યારે અન્ય પકડાયેલા ઈસમ હિતેશ જોશી પાસેથી લેવલ-2ની 2000ની કિંમતની બે ટિકિટો તેમજ લેવલ 3ની 1000 ની કિંમતની ત્રણ ટિકિટ મળી આવી હતી. આમ કુલ 17 ટિકિટો વેચાણ માટે બજાર કિંમત કરતા ઊંચા ભાવે કાળા બજારી કરતા બંને યુવકો ઝડપાઈ ગયા હતા.

મહત્વની વાત એ છે કે, 2000 ની કિંમતની ટિકિટ 6000થી પણ વધુ ઊંચા કિંમતેબજારમાં વેચાતી હતી. જ્યારે 1,000 ની ટિકિટના ચારથી પાંચ હજાર રૂપિયા આપીને ક્રિકેટ રસીયાઓ ટિકિટ મેળવવા માંગતા હતા. મેચની અંતિમ રાત્રે પકડાયેલા આ બંને યુવકો પાસેથી મળેલી ટિકિટો બાદ તેઓ પાસે કુલ કેટલી ટિકિટો હશે અને કેટલી ટિકિટોની કાળા બજારી કરી તે તપાસનો વિષય છે. એક વ્યક્તિને માત્ર બુકીંગમાં બેથી પાંચ ટિકિટો મળતી હોય ત્યારે આ બે વ્યક્તિઓ પાસે 17 ટિકિટો ક્યાંથી આવી અને ટિકિટ કાળાબજારીના આ ધંધામાં ટિકિટો પૂરી પાડનાર વ્યક્તિ કોણ છે? તેની પણ તપાસ થવી જરૂરી છે.

Trending

Exit mobile version