વિદેશ જવા ઈચ્છતા લોકો માટે વડોદરાથી એક લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. યુકે (UK) ના વર્ક પરમિટ વિઝા અપાવવાના બહાને ₹26.50 લાખની છેતરપિંડી આચરી છેલ્લા એક વર્ષથી ફરાર રહેલી મહિલા આરોપીને વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી છે. ગેંડા સર્કલ પાસે ઓફિસ ખોલીને ભોળવા લોકોને ખોટા લેટરો પધરાવી કૌભાંડ આચરનારી આ મહિલા હવે પોલીસના સકંજામાં છે.
👉એક વર્ષથી હતી વોન્ટેડ:
વડોદરા પોલીસ કમિશનર નરસિમ્હા કોમારની સૂચના મુજબ નાસતા-ફરતા આરોપીઓને પકડવાની ઝુંબેશ હેઠળ ક્રાઈમ બ્રાન્ચની ટીમે સફળ કામગીરી કરી છે. ગોરવા પોલીસ મથકમાં નોંધાયેલા ઠગાઈના ગુનામાં વર્ષ 2024 થી વોન્ટેડ આરોપી નંદનીબેન અજયરાવ શિંદે (રહે. આજવા રોડ) ને તેના નિવાસસ્થાનેથી દબોચી લેવામાં આવી છે.
🧐શું હતી ઠગાઈની મોડસ ઓપરેન્ડી?
આરોપી નંદનીબેને ઓક્ટોબર 2023માં ફરિયાદી સાથે યુકેના ત્રણ વર્ષના વર્ક પરમિટ વિઝા આપવાના બહાને MOU કરાર કર્યા હતા. વિશ્વાસ કેળવવા માટે આરોપીએ ફરિયાદીને ખોટો કોસ લેટર (CoS Letter) પણ આપ્યો હતો. પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે:
- ફરિયાદી પાસેથી ₹21,00,000 મેળવી લીધા.
- અન્ય એક સાહેદ પાસેથી લંડનના વિઝાના નામે ₹5,50,000 પડાવ્યા.
- કુલ ₹26,50,000 ઓળવી ગયા બાદ ગેંડા સર્કલ પાસે આવેલી પોતાની ઓફિસને તાળા મારી આરોપી મહિલા ફરાર થઈ ગઈ હતી.
🚨પોલીસ કાર્યવાહી:
લાંબી તપાસ અને ટેકનિકલ સોર્સના આધારે ક્રાઈમ બ્રાન્ચના પી.એસ.આઈ. કે.ડી. રાઠોડ અને તેમની ટીમે બાતમીના આધારે મહિલા આરોપીની ધરપકડ કરી છે. પ્રાથમિક પૂછપરછમાં તેણે ગુનાની કબૂલાત કરી છે. ક્રાઈમ બ્રાન્ચે વધુ તપાસ માટે આરોપી મહિલાને ગોરવા પોલીસ સ્ટેશનના હવાલે કરી છે.
વિદેશ જવાના અભરખામાં એજન્ટોની વાતોમાં આવીને લાખો રૂપિયા ગુમાવતા લોકો માટે આ કિસ્સો બોધપાઠ છે. કોઈ પણ એજન્ટને નાણાં આપતા પહેલા તેની અધિકૃતતા અને દસ્તાવેજોની ખરાઈ કરવી અનિવાર્ય છે.
પોલીસ હવે એ તપાસ કરી રહી છે કે નંદની શિંદે સાથે આ કૌભાંડમાં અન્ય કોઈ સંડોવાયેલું છે કે કેમ અને શું તેણે અન્ય લોકો સાથે પણ આવી જ છેતરપિંડી આચરી છે?