ભ્રષ્ટાચારનો ગંભીર આક્ષેપ:“રોડની કામગીરીમાં મોટો ભ્રષ્ટાચાર થયો છે” – વોર્ડ પ્રમુખ રાકેશ ઠાકોર અને ભાવિકાબેન ચાંડોલેનો આક્રોશ.
જાનહાનિનો ડર:સ્થાનિકોએ સત્વરે સમારકામ કરવાની કરી માંગ; શું કોઈ મોટી દુર્ઘટના બાદ જાગશે તંત્ર?
વડોદરા: સંસ્કારી નગરી વડોદરામાં રોડ-રસ્તાની હાલત બદતર બની રહી છે. શહેરના વોર્ડ નંબર 12 માં આવતા બીલ ગામના મુખ્ય માર્ગ પર તંત્રની ઘોર બેદરકારીનો નમૂનો જોવા મળ્યો છે. અહીં પીવાના પાણીની લાઈનમાં લીકેજ થવાને કારણે રસ્તાની વચ્ચે જમીન બેસી ગઈ છે અને એક મોટો, ભયજનક ભૂવો પડી ગયો છે. આ વ્યસ્ત માર્ગ પર અચાનક ખાડો પડતા વાહનચાલકો અને રાહદારીઓ માટે જીવનું જોખમ ઊભું થયું છે.
🧐નેતાઓનો આક્રોશ અને ભ્રષ્ટાચારના આક્ષેપ:
આ ઘટનાને પગલે કોંગ્રેસના નેતાઓ મેદાનમાં આવ્યા છે. વોર્ડ નંબર 12 ના કોંગ્રેસ પ્રમુખ રાકેશ ઠાકોર અને ભાવિકાબેન ચાંડોલે દ્વારા આ અંગે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રાકેશ ઠાકોરે આક્ષેપ કરતા જણાવ્યું કે, “પાલિકાના તંત્ર દ્વારા રોડની કામગીરીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. માત્ર સામાન્ય પાણીના લીકેજમાં પણ આખો રોડ બેસી જાય તે બતાવે છે કે કામગીરી કેટલી હલકી કક્ષાની છે.”
🗣️સ્થાનિકોની માંગ:
બીલ-ચાપડ વિસ્તારના રહીશોએ આક્ષેપ કર્યો છે કે શહેરમાં અત્યારે “અત્ર તત્ર સર્વત્ર માત્ર ખાડા જ” જેવી સ્થિતિ છે. પાલિકાના નબળા સુપરવિઝનને કારણે જનતાના ટેક્સના પૈસા વેડફાઈ રહ્યા છે. લોકોએ રોષ સાથે જણાવ્યું કે ચૂંટણી સમયે દેખાતા નેતાઓ અત્યારે જનતાની સુરક્ષા માટે ફરકતા પણ નથી.
🤨ચોમાસું માથે છે ત્યારે વડોદરાના વિવિધ વિસ્તારોમાં પડતા ભૂવાઓ પાલિકાની કામગીરી પર અનેક સવાલો ઊભા કરે છે. હવે જોવાનું એ રહેશે કે વોર્ડ નંબર 12 ના સત્તાધીશો આ ખાડાનું થીગડું મારે છે કે કાયમી અને મજબૂત ઉકેલ લાવે છે.