156ની સ્પષ્ટ બહુમતી બાદ પણ ભાજપને સર્વસ્વ સર કરવાની ઇચ્છામાં વડોદરા શહેર જીલ્લામાં લોકસભાની ચૂંટણી પહેલા મોટા ફેરફાર થવાની શક્યતાઓ ચર્ચાઈ રહી છે. જેમાં કોઈ ચૂંટાયેલા પ્રતિનિધિ રાજીનામું ધરી દે તેવી પ્રબળ શક્યતાઓ છે. જ્યારે વડોદરાના રાજકારણમાં ચાલી રહેલી આ હિલચાલ લોકસભાના વડોદરાના ઉમેદવારનું ભવિષ્ય નકકી કરશે તે પણ નક્કી છે.
સાંસદ બનવાના અભરખા ધરાવતા ઇચ્છુક ઉમેદવારો પોતાની ગોઠવણ અને લોબિંગમાં વ્યસ્ત થયા છે. ત્યારે વડોદરા શહેર જીલ્લામાં કંઈક રંધાઈ રહ્યું છે. લોકસભાના ઉમેદવાર રિપીટ થશે?, નવા ઉમેદવાર હશે તો શહેર માંથી હશે કે,જીલ્લા માંથી હશે? અને ત્રણેય શક્યતાઓ ન હોય તો કોઈ આયાતી ઉમેદવાર હશે તે નક્કી છે. જોકે પોતાની દાવેદારી પ્રબળ કરવા માટે તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે સંબંધો મજબૂત કરવાની તૈયારીઓ ચાલી રહી છે. આ તૈયારીના ભાગ રૂપે વડોદરા શહેર જીલ્લામાં કોઈ ચૂંટાયેલા પ્રતિનિધિ કે સંગઠનના હોદ્દેદાર પોતાનું રાજીનામું ધરી દે તેવી ચર્ચા ચાલી રહી છે.