- તાજેતરમાં મુખ્યમંત્રીએ સરપંચોની સભામાં Zero tolerance નું વચન આપ્યું હતું.
- કોઈને પણ છોડવામાં નહીં આવે તેવી વાત વચ્ચે પંચાયત વિભાગના 19 કર્મચારીઓ સામે ખાતાકીય તાપસ ઓન ગોઇંગ!
- પંચાયતના અન્ય વિભાગોમાં પણ 2 વર્ષથી ચાલતી ખાતાકીય તપાસો ઠેરની ઠેર
તાજેતરમાં ગ્રામપંચાયતની ચૂંટણી પૂર્ણ થયા બાદ સરપંચોના અભિવાદન અને પ્રશિક્ષણ માટે ગાંધીનગર ખાતે ખાસ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ઝીરો ટોલરન્સની વાત કહી હતી. કોઈ પણ પ્રકારની ગેરરીતિ ચલાવવામાં આવશે નહીં તેવો સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો હતો. ચૂંટાયેલા પ્રતિનિધિઓ માટે ઝીરો ટોલરન્સની વાત વચ્ચે જીલ્લા પંચાયતના વિવિધ વિભાગોમાં કર્મચારીઓ પર ચાલી રહેલી ખાતાકીય તપાસનો કોઈ અંત નથી.
વડોદરા જિલ્લા પંચાયતમાં કુલ ચાર વિભાગોમાં કર્મચારીઓ વિરુદ્ધ કોઈ ને કોઈ કારણોસર ખાતાકીય તપાસ ચાલી રહી છે. જેમાંથી કેટલીક તપાસ તો 2 વર્ષથી ચાલતી હોવાનું જાણવા મળ્યું છે. મહત્વની વાત તો એ છે કે, જે ગ્રામપંચાયતના સરપંચોને ઝીરો ટોલરન્સની શિખામણ મળી હતી તેઓને સ્પર્શતી પંચાયત શાખામાં 19 જેટલા કર્મચારીઓ પર ખાતાકીય તપાસ ચાલી રહી છે. વિભાગના અધિકારી અને અન્ય ઉચ્ચ હોદ્દાઓ પર બેસેલા અધિકારીઓને મળતી ફરિયાદોના આધારે ખાતાકીય તપાસ સોંપવામાં આવે છે. જોકે તેને પૂર્ણ કરવાની કોઇ સમય મર્યાદા નથી. આ તપાસના લિસ્ટમાં કેટલાક તલાટી કમ મંત્રીઓનો પણ સમાવેશ થાય છે.
પંચાયત શાખાના 19 સિવાય મહેકમ શાખાના 3, આરોગ્ય શાખાના 3 અને હિસાબી શાખાના 3 કર્મચારીઓ પર ખાતાકીય તપાસ ચાલતી હોવાના આંકડા મળ્યા છે. બાકીના શિક્ષણ અને icds જેવા વિભાગોના આંકડા તો વધુ ચોંકાવનારા હોઈ શકે છે.
મહત્વનું છે કે, સરપંચો પાસે પ્રામાણિકતાની અપેક્ષા માટે તેઓને વહીવટી શિક્ષણ આપતા તલાટીની પ્રામાણિકતા વધુ જરૂરી છે. સરપંચો ચૂંટણી જીત્યા બાદ કોઈ પણ પ્રકારના ભ્રષ્ટાચાર વિના ગામનો વિકાસ કરવા ઈચ્છે તો પણ સિસ્ટમમાં રહી ગયેલી ઉધઈઓ તેઓની ફાઈલો કટકી વિના મંજુર કરતી નથી! આવા કિસ્સામાં સરકારી કચેરીઓમાં જેઓ સામે સામાન્ય પણ ગેરવહીવટના આક્ષેપ હોય તો તેની તુરંત તપાસ થઈને જરૂરી સજા થવી જોઈએ. તારીખ પર તારીખ પાડવાથી ભ્રષ્ટાચાર કરતા કર્મચારીઓને વધુ મોકળું મેદાન મળી જશે!