Vadodara

સડક સુરક્ષાની વાતો વચ્ચે નાગરિકો સડક પર પોતાને સુરક્ષિત ક્યારે મહેસુસ કરશે ?: ડમ્પરના અડફેટે આધેડનું મોત

Published

on

વડોદરા શહેરમાં છેલ્લા એક મહિનાથી અકસ્માતોની ભરમાળ જોવા મળી રહી છે. ટ્રાફિક સપ્તાહની ઉજવણી પુરતા સમય માટે જ ટ્રાફિકના નિયમોનું કડક પાલન થતું હોય તેમ લાગી રહ્યું છે. જ્યાં આજે પ્રતિબંધિત સમય દરમિયાન શહેરમાં પ્રવેશેલા ડમ્પરે એક આધેડને અડફેટે લેતા તેઓનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનામાં સ્થળ પર લોકટોળા એકત્રિત થઇ ગયા હતા. જયારે ડમ્પર પર ઓન ડ્યુટી વી.એમ.એસ.એસના બોર્ડ લાગેલા હતા.

Advertisement

હાલ શહેરમાં વિશ્વામિત્રી શુદ્ધિકરણ માટેની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. આ કામગીરીમાં અનેક જંગી મશીનરી કામે લાગેલી છે. જેમાં માટી વાહન કરવા માટે શહેરના તમામ વિસ્તારોમાં સેંકડો ડમ્પર પણ કામે લાગ્યા છે. જેને ઓન ડ્યુટી વી.એમ.એસ.એસના સ્ટીકર લગાવવામાં આવ્યા છે. જે ડમ્પર પ્રતિબંધિત સમય દરમિયાન પણ શહેરમાં અવરજવર કરતા હોય છે. સવારના 9 થી 1 અને સાંજના સમયમાં ભારદારી વાહનોને શહેરમાં પ્રવેશ કરવા સામે પ્રતિબંધ શહેર પોલીસ કમિશનર દ્વારા ફરમાવવામાં આવ્યો હોવા છતાંય વી.એમ.એસ.એસ.ની ડ્યુટીના નામે બેફામ ડમ્પરો રસ્તા પર નીકળી રહ્યા છે.


આજે શહેરના વડસર બ્રીજ પાસે એક માતેલા સાંઢની જેમ આવતા ડમ્પર ચાલકે તાંદલજા વિસ્તારમાં રહેતા રફીકભાઈ નામના આધેડને અડફેટે લીધા હતા.ડમ્પરના તોતિંગ ટાયર નીચે આવી ગયેલા રફીકભાઈ આશરે 30 ફૂટ જેટલા ઢસડાઇ ગયા હતા. જ્યાં ઘટના સ્થળે જ તેઓનું મોત નીપજ્યું હતું. અકસ્માતની જાણ થતા સ્થાનિક પોલીસનો સ્ટાફ સ્થળ પર દોડી આવ્યો હતો. અને મૃતદેહને હોસ્પિટલ ખાતે મોકલી આપીને ડમ્પર ચાલકની અટકાયત કરી હતી.


અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરીજનોના જીવના જોખમે વિશ્વામિત્રી શુદ્ધિકરણ કરવું કેટલું યોગ્ય છે.? હજી તો ઘણા દિવસો આ કામગીરી ચાલવાની છે. ત્યારે શહેરીજનોને રસ્તે ચાલતા પણ ડર લાગશે. કોઈ ખાનદાની નબીરો કાર ચઢાવી દે તો કોઈ સરકારી કામમાં જોડાયેલું વાહન કચડી નાખે! સડક સુરક્ષાની મોટી મોટી વાતો વચ્ચે નાગરિકો સડક પર પોતાને સુરક્ષિત ક્યારે મહેસુસ કરશે ?

Advertisement

Trending

Exit mobile version