વડોદરામાં લાંબા સમયથી ફૂટપાથ અને જાહેર માર્ગો પર જમાવાયેલા ગેરકાયદે કબજા સામે પાલિકા તંત્ર લાલઘૂમ થયું છે. મ્યુનિસિપલ કમિશનર અરુણ બાબુની ઓચિંતી મુલાકાતે તંત્રને દોડતું કરી દીધું છે. ગઈકાલે નવા બજારમાં ઓટલા તોડ્યા બાદ, આજે મંગળ બજારમાં લટકણીયા અને કારેલીબાગમાં ટ્રાફિક ડ્રાઈવ યોજીને કડક કાર્યવાહી કરવામાં આવી હતી.
વડોદરાનું હાર્દ ગણાતું મંગળ બજાર અને નવા બજાર વિસ્તાર અત્યારે પાલિકાની કાર્યવાહીનું કેન્દ્ર બન્યા છે. મ્યુનિસિપલ કમિશનર અરુણ બાબુએ ગઈકાલે નવા બજારની મુલાકાત લીધી હતી, જ્યાં વેપારીઓએ રોડ સુધી દબાણ કરીને બનાવેલા ઓટલા જોઈને તેઓ ચોંકી ઉઠ્યા હતા. કમિશનરની સૂચના મળતા જ દબાણ શાખાએ રાતોરાત જેસીબી ફેરવીને ગેરકાયદે ઓટલા જમીનદોસ્ત કરી દીધા હતા.
આજે કાર્યવાહીનો બીજો દિવસ હતો. વોર્ડ ઓફિસર મહેશ રબારી અને દબાણ શાખાની ટીમ મંગળ બજાર અને લહેરીપુરા વિસ્તારમાં ત્રાટકી હતી. વેપારીઓ દ્વારા દુકાનની બહાર લટકાવવામાં આવતા ‘લટકણીયા’ અને ફૂટપાથ પર ખડકાયેલો માલ-સામાન જપ્ત કરવામાં આવ્યો હ એમતો.
જપ્ત કરેલો સામાન: એક આખી ટ્રક ભરાય તેટલો માલ-સામાન જપ્ત.
લટકણીયા પર પ્રતિબંધ: દુકાન બહાર સામાન લટકાવનાર વેપારીઓને કડક ચેતવણી.
રસ્તા ખુલ્લા કરાયા: લારી-ગલ્લા અને પથારાવાળાઓને હટાવી રસ્તો અવરજવર માટે મોકળો કરાયો.
👉 માત્ર બજાર જ નહીં, પણ શહેરના ટ્રાફિકને નડતરરૂપ પાર્કિંગ સામે પણ આજે મોરચો ખોલવામાં આવ્યો હતો. કારેલીબાગ પાણીની ટાંકીથી સંગમ ચાર રસ્તા સુધી ટીડીઓ, દબાણ શાખા અને ટ્રાફિક પોલીસની સંયુક્ત ટીમે ડ્રાઈવ યોજી હતી. રસ્તા પર આડેધડ પાર્ક કરેલા વાહનોને દંડ ફટકારવામાં આવ્યો હતો અને અનેક વાહનચાલકોને મેમો આપવામાં આવ્યા હતા.
🫵”વડોદરાના મ્યુનિસિપલ કમિશનરે જે રીતે પોતે ગ્રાઉન્ડ પર ઉતરીને સ્થિતિનું નિરીક્ષણ કર્યું છે, તેનાથી તંત્રમાં ફફડાટ વ્યાપી ગયો છે. વર્ષોથી જામી ગયેલા દબાણો હવે દૂર થઈ રહ્યા છે, પરંતુ નાગરિકોમાં પ્રશ્ન એ જ છે કે શું આ કાર્યવાહી કાયમી રહેશે કે પછી કમિશનરની પીઠ ફેરવતા જ પરિસ્થિતિ ‘જૈસે થે’ થઈ જશે?”