- મને આ રકમ અંગે શંકા જતા મેં વીજ કંપનીની વેબસાઇટ પર જઇને બીલની રકમ મેળવવાનો પ્રયાસ કર્યો હતો – પીડિત ગ્રાહક
- વડોદરામાં સ્માર્ટ વીજ મીટરનુું વધુ એક ભોપાળું સામે આવ્યું
- નવા મીટર નાંખ્યા બાદ પહેલું બીલ રૂ. 7.81 લાખ આવ્યું
- પટેલ પરિવરનું સરેરાશ વીજ બીલ રૂ. 2500 ની આસપાસ આવતું હતું
વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલા પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનોમાં નયનભાઇ પટેલ પોતાના પરિવાર સાથે રહે છે. તેઓ વ્યવસાયે ટેક્સ કન્સલ્ટન્ટ તરીકેનું કામ કરે છે. આજે સવારે તેમના મોબાઇલ પર બાકી વીજ બીલ ભરપાઇ કરવા માટેનો મેસેજ આવ્યો હતો. આ મેસેજ જોતા બાકી વીજ બીલની રકમ રૂ. 7.81 લાખ દર્શાવતી હતી. જેને પહલે તેઓ ચોંકી ઉઠ્યા હતા. બાદમાં આ અંગે વીજ કંપનીના કોલ સેન્ટરમાં ફોન કરતા આ જ રકમની ખરાઇ કરવામાં આવી હતી. આખરે તેમણે પોતાની ફરિચાદ નોંધાવી છે. અત્રે નોંધનીય છે કે, પટેલ પરિવારને ત્યાં ચાર મહિના પહેલા જ સ્માર્ટ વીજ મીટર નાંખવામાં આવ્યા છે. જેને પગલે સ્માર્ટ વીજ મીટર વધુ એક વખત વિવાદમાં આવ્યો છે.
પીડિત પરિવારના યુવકે મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, અમારે ત્યાં સ્માર્ટ વિજ મીટર ત્રણથી ચાર મહિના પહેલા લગાડવામાં આવ્યું છે. પહેલા અમારૂ એવરેજ બીલ રૂ. 1500-2500 આવતું હતું. પરંતુ છેલ્લા ત્રણ મહિનાથી અમને બીલ મળ્યું ન્હતું. જેથી આજે સવારે અમને બીલ અંગે રીમાઇન્ડર મળ્યું હતું, જેમાં રૂ. 7.81 લાખ બીલ ભરપાઇ કરવા માટેનો મેસેજ હતો.
વધુમાં જણાવ્યું કે, મને આ રકમ અંગે શંકા જતા મેં વીજ કંપનીની વેબસાઇટ પર જઇને બીલની રકમ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ત્યાં પણ આટલું જ બાકી બીલ બતાવતું હતું. પછી મેં કસ્ટમર કેરમાં ફોન કર્યો હતો. ત્યારે ત્યાંથી તેમણે જવાબ આપ્યો કે, તમારી આ જ રકમનું બીલ છે. તેમણે મારી ફરિયાદ લીધી છે. આ રહેણાંક વિસ્તાર છે, ત્યાં આટલું મોટું બીલ કેવી રીતે આવે, જો રહેણાંક વિસ્તારમાં આ રીતે આડેધડ બીલો આવશે તો લોકો ચોક્કસશી ડરશે. જો કે, આ અંગે વીજ કંપનીના એન્જિનિયરે મીડિયાને જણાવ્યું હતું કે, ટેક્નિકલ એરરના કારણે મોટી રકમ સાથે દર્શાવી રહ્યું છે. તેમનું ખરેખર બીલ રૂ. 5000 જેટલું થાય છે.