વડોદરા શહેરના નંદેસરી વિસ્તારમાં આજે વહેલી સવારે હાઇડ્રોફ્લોરિક એસિડનું ટેન્કર લીક થતા નાસભાગ મચી ગઈ હતી. સ્થળ પર એસિડ પડતાની સાથે જ ધુમાડાના ગોટેગોટા ઉડવા માંડયા હતા. જ્યારે ફાયરબ્રિગેડ દ્વારા સતત પાણીનો મારો ચલાવીને એસિડને ઠંડુ પાડવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.
વડોદરા શહેર નજીક નંદેસરી ઔદ્યોગિક વસાહતમાં અનેક કેમિકલ ઉદ્યોગો આવેલા છે. જે કેમિકલ ઉદ્યોગોમાં મોટા પ્રમાણમાં જવલંતશીલ કેમિકલોનું રોજેરોજ ટેન્કરોના મારફતે પરિવહન કરવામાં આવે છે.
આજે વહેલી સવારે નંદેસરી વિસ્તારમાં હાઇડ્રોક્લોરિક એસિડ ભરેલું ટેન્કર અચાનક લીક થઈ ગયું હતું.100 ટકા જ્વલંતશીલ એસિડ એકાએક રોડ પર ઢોળાઈ જતા નાસભાગ મચી ગઇ હતી. હવાના સંપર્કમાં આવતા એસિડ માંથી ઉત્પન્ન થતા ધુમાડાથી વિસ્તાર પ્રભાવિત થયો હતો.
ઘટનાની જાણ ફાયરબ્રિગેડ અને પોલીસને થતા જ તાત્કાલિક વિસ્તારને કોર્ડન કરીને સ્થિતિ નિયંત્રણમાં લેવાની પ્રક્રિયા શરૂ કરી હતી. જ્યાં ઢોળાયેલા એસિડ પર પાણીનો મારો ચલાવીને ફાયરબ્રિગેડ દ્વારા દ્વારા તેને ડાયલયુટ કરવામાં આવ્યું હતું. એસિડથી નીકળેલા ધુમાડાને કારણે રાહદારીઓને શ્વાસ લેવામાં તકલીફ અને આંખમાં બળતરા ની ફરિયાદો ઉઠી હતી. જ્યારે નંદેસરી ફાયરબ્રિગેડની ત્વરિત કામગીરીને કારણે ભારે જહેમતે સ્થિતિ નિયંત્રણમાં લઈ લેવાઈ હતી.