- સફળ રેડ: ફતેહગંજ પોલીસે બાતમીના આધારે દારૂના વેચાણના અડ્ડા પર તવાઈ બોલાવી.
- મુદ્દામાલ જપ્તી: 10 બોટલ વિદેશી દારૂ અને 96 બિયરના ટીન સહિત રૂ. 21,700નો મુદ્દામાલ કબજે.
- આરોપીની ધરપકડ: અલ્પેશ ઉર્ફે સાગર શર્મા નામના આરોપીની ધરપકડ કરાઈ.
- વોન્ટેડ આરોપી: આ ગુનામાં સંડોવાયેલા જયેશ શર્માની શોધખોળ પોલીસ દ્વારા હાથ ધરાઈ છે.
વડોદરા: વડોદરા શહેર પોલીસ દ્વારા દારૂ અને જુગારની અસામાજિક પ્રવૃત્તિઓ ડામવા માટે શરૂ કરવામાં આવેલા ડ્રાઇવ અંતર્ગત ફતેહગંજ પોલીસ સ્ટેશનની ટીમે મહત્વની કામગીરી કરી છે. ડિંગડોંગ ચોકડી નજીક આવેલા આંબેડકર નગરમાં દારૂનું વેચાણ કરતા એક શખ્સને પોલીસે 21,700 રૂપિયાના વિદેશી દારૂ અને બિયરના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે.
🧐ઘટનાની વિગત:
ફતેહગંજ પોલીસ સ્ટેશનના પી.આઈ. એ.એમ. ગઢવીના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન અ.હે.કો. મનીષભાઈને અંગત બાતમી મળી હતી કે, ડિંગડોંગ ચોકડી પાસે આંબેડકર નગરમાં રહેતો અલ્પેશ ઉર્ફે સાગર મહેશભાઈ શર્મા પોતાના આર્થિક લાભ માટે ખુલ્લી જગ્યાઓમાં વિદેશી દારૂ અને બીયર વેચતો હતો.પોલીસે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા આરોપી અલ્પેશને પકડી પાડ્યો હતો.
🚨કબજે કરાયેલો મુદ્દામાલ:
પોલીસની તપાસમાં આરોપી પાસેથી ભારતીય બનાવટની વિદેશી દારૂ (મેજિક મોમેન્ટ ગ્રેઇન વોડકા)ની 180 ML ની 10 બોટલ, જેની કિંમત 2,500 રૂપિયા છે અને માઉન્ટ ટુબોર્ગ પ્રીમિયમ સ્ટ્રોંગ બિયરના 96 ટીન, જેની કિંમત 19,900 રૂપિયા છે, મળી કુલ 21,700 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
👮પોલીસ કાર્યવાહી:
ફતેહગંજ પોલીસે આરોપી અલ્પેશ ઉર્ફે સાગર શર્મા વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટની કલમ 65(ઈ), 108 અને 81 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ગુનામાં સંડોવાયેલા અન્ય એક આરોપી જયેશ શર્માને પોલીસે વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ શરૂ કરી છે.