વડોદરા શહેરની દિવાળીપુરા કોર્ટની સામે ગતરાત્રીના હત્યાની ઘટના બનતા ચકચાર મચી જવા પામી હતી. બે મિત્રો વચ્ચે સામાન્ય બોલાચાલી થતાં મિત્ર એ જ મિત્રને ચાકુના ધા ઝીંકીને મિત્રની હત્યા કરી નાખી સમગ્ર મામલે અકોટા પોલીસ દ્વારા ગણતરીની મિનિટોમાં જ સગીર આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, દિવાળીપુરા કોર્ટની સામે નિસર્ગ કોમ્પ્લેક્ષ નજીક ગતરોજ મોડી રાત્રે 19 વર્ષીય દિશાંત રાજપૂત નામના યુવકની તેના જ સગીર મિત્ર દ્વારા હત્યા કરી દેવામાં આવી હતી. દિશાંત રાજપૂત અને તેના મિત્ર વચ્ચે કોઈક વાતને લઈને બોલાચાલી થઇ ગઈ હતી. જેમાં આવેશમાં આવીને સગીર મિત્રએ પોતાના જ મિત્ર દિશાંત રાજપૂતને ચાકુના ધા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. અને હત્યા કર્યા બાદ હત્યારો મિત્ર ઘટનાસ્થળે થી નાસી છૂટ્યો હતો.
આ ઘટનાની જાણ અકોટા પોલીસને થતા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે આવ્યો હતો અને તપાસ હાથ ધરી અકોટા પોલીસે ગણતરીની મિનિટોમાં જ ફરાર થયેલા આરોપીની ધરપકડ કરી લીધી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં મિત્રની હત્યા પાછળનું કારણ યુવતી સાથે ના સંબંધ હોવાનું સામે આવ્યું હતું પોલીસે હાલ વધુ તપાસ હાથ ધરી છે