Vadodara

શેરબજારમાં કરોડોનો લોસ થતા 12 વર્ષના ભરોસાનો ખૂન!14.09 કરોડ હડપનાર આરોપી ડીસીબીના સકંજામાં

Published

on

  • વિશ્વાસઘાતની પરાકાષ્ઠા: 12 વર્ષથી નોકરી કરતા એકાઉન્ટન્ટે મસાલા મિલના માલિકને ૧૪ કરોડથી વધુનો ચૂનો લગાવ્યો.
  • ડીસીબીની સફળતા: ફરાર આરોપી રાકેશ પરમાર અરવલ્લીના મોડાસા તાલુકાના ચોપડા ગામેથી ઝડપાયો.
  • શેરબજારમાં બરબાદી: આરોપીએ ચિઠ્ઠી લખી કબૂલાત કરી- “શેરબજારમાં 8 કરોડનો લોસ થતા ઉચાપત કરી.”
  • તપાસનો ધમધમાટ: વર્ષ 2022 થી 2026 દરમિયાન ટુકડે-ટુકડે આચર્યું કૌભાંડ; ક્રાઈમ બ્રાન્ચે આરોપીને બાપોદ પોલીસને સોંપ્યો.

વડોદરા: વડોદરાના વાઘોડિયા રોડ પર આવેલા સરદાર એસ્ટેટની એક ફેક્ટરીમાં વિશ્વાસઘાત અને કરોડોની ઉચાપતનો સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ‘શ્રી ઉમિયાજી મસાલા મિલ’માં છેલ્લા 12 વર્ષથી એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા રાકેશ પ્રભાતસિંહ પરમારે માલિકના ભરોસાનો ફાયદો ઉઠાવી 14.09 કરોડ રૂપિયાની ઉચાપત કરી હોવાનું બહાર આવ્યું છે.

📝ચિઠ્ઠી લખીને થયો હતો ફરાર:

વાસણા ગોત્રી રોડ પર રહેતા ફેક્ટરી માલિક કલ્પેશભાઈ પટેલની ફરિયાદ મુજબ, એકાઉન્ટન્ટ રાકેશ પરમાર થોડા સમય પહેલા ફેક્ટરીના અન્ય એક કર્મચારીને ચિઠ્ઠી આપીને ગાયબ થઈ ગયો હતો. આ ચિઠ્ઠીમાં તેણે લખ્યું હતું કે, શેરબજારમાં તેને 8 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે અને તે બરબાદ થઈ ગયો છે. આ ચિઠ્ઠી મળતા જ માલિકે કંપનીના હિસાબોની ઓડિટ તપાસ કરાવી હતી.

🧐4 વર્ષમાં આચર્યું મસમોટું કૌભાંડ:

હિસાબી તપાસમાં ચોંકાવનારી વિગત બહાર આવી હતી કે, આરોપી રાકેશે 1 ડિસેમ્બર 2022 થી 25 ફેબ્રુઆરી 2026 ના ગાળા દરમિયાન કંપનીના ખાતામાંથી કુલ 14 કરોડ 9 લાખ 44 હજાર 443 રૂપિયાની ઉચાપત કરી હતી. આ મામલે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ વડોદરા ક્રાઈમ બ્રાન્ચ (DCB) એ તપાસ હાથ ધરી હતી.

🚨પોલીસ કાર્યવાહી:

ક્રાઈમ બ્રાન્ચની ટીમે ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીનું લોકેશન ટ્રેસ કર્યું હતું. આરોપી રાકેશ પરમાર અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ચોપડા ગામે છુપાયો હોવાની બાતમી મળતા પોલીસે ત્યાં દરોડો પાડી તેને દબોચી લીધો હતો. હાલમાં ક્રાઈમ બ્રાન્ચે આરોપીનો કબજો મેળવી વધુ પૂછપરછ માટે બાપોદ પોલીસને સોંપ્યો છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આટલી મોટી રકમ તેણે ક્યાં રોકી છે અને તેમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ.

🫵શેરબજારમાં રાતોરાત અમીર બનવાના સપનાએ એક વિશ્વાસુ કર્મચારીને આજે જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.

Trending

Exit mobile version