Vadodara

વડોદરા વિશ્વામિત્રી નદીના કિનારાના અગોરા મોલના ક્લબ હાઉસ સહિત 10 દબાણો દૂર કરાશે, નોટિસો અપાઇ

Published

on



શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં આવેલા વિનાશક પૂર  બાદ ચારે કોરથી પ્રચંડ રોષ શરૂ થતા વડોદરા કોર્પોરેશન દ્વારા વિશ્વામિત્રી નદી ઉપરના દબાણો દૂર કરવા માટે કાર્યવાહી હાથ ધરવા માટે કવાયત હાથ ધરી હતી. દરમિયાન વેમાલીથી વડસર સુધીના નદી ઉપર સર્વે કર્યા બાદ અગોરા મોલના ક્લબ હાઉસ સહિત 10 જેટલા દબાણ કારોને આજથી 72  કલાકની મહેતલ આપતી નોટિસ આપવામાં આવી છે. જો  દબાણકારો દ્વારા યોગ્ય જવાબ આપવામાં નહીં આવે તો શુક્રવારથી પાલિકા દ્વારા દબાણનો દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવશે તેમ મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ જણાવ્યું હતું.

Advertisement

શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં તા.  26 ઓગસ્ટે વિનાશક પૂર આવ્યું હતું. આ પૂર બાદ શહેરીજનોમાં પ્રચંડ રોષ ભભૂકી ઉઠ્યો હતો. ભારે રોષના પગલે રાજ્ય સરકાર હચમચી ઉઠી હતી. દરમિયાન સરકારે વિશ્વામિત્રી નદીના પૂરના પાણી અટકાવવા માટે તાબડતોબ રૂપિયા 1200 કરોડની પણ મંજૂરી આપી દીધી હતી.

  વિશ્વામિત્ર નદીમાં આવેલા પૂરને કારણે વડોદરા શહેરના લોકોને થયેલા ભારે નુકસાનને પગલે લોકોનો રોષ  હજુ પણ સમ્યો નથી. બીજી બાજુ વિપક્ષ કોંગ્રેસ દ્વારા પણ વિશ્વામિત્રી નદીમાં આવેલા પૂર માનવસર્જિત નહીં. પરંતુ ભાજપા સર્જિત પૂર હોવાના આક્ષેપ કર્યા હતા. વિશ્વામિત્રી નદીમાં આવેલા પૂરના કારણે ચારેકોરથી ફસાયેલી ભાજપા સરકાર દ્વારા આ બાબતે કડક કાર્યવાહી કરવા માટે વડોદરા કોર્પોરેશનને પણ તાકીદ કરી હતી. જેના પગલે વડોદરા કોર્પોરેશન દ્વારા વિશ્વામિત્રી નદી ઉપર ના દબાણો શોધવા માટે કાર્યવાહી  શરૂ કરી હતી.

વડોદરા કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ જણાવ્યું હતું કે, કોર્પોરેશન દ્વારા વિશ્વામિત્રી નદી ઉપરના દબાણો શોધવા માટે વેમાલીથી વડસર સુધી અંદાજિત 23 કિલોમીટર સુધીના વિશ્વામિત્રી નદી કિનારા ઉપર ફિઝિકલ તેમજ ડ્રોન સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં 25 જેટલી ઇમારતો જણાઇ આવી હતી. જે પૈકી 10 જેટલી જગ્યાએ દબાણો જણાઈ આવતા પાલિકા દ્વારા આજે નોટિસો આપવામાં આવી છે. તમામ દબાણકારોને ત્રણ દિવસમાં નોટિસનો જવાબ આપવા જણાવ્યું છે. જો તેઓ દ્વારા સંતોષકારક જવાબ આપવામાં નહીં આવે તો આગામી 72 કલાક બાદ એટલે કે શુક્રવારથી માર્જિનની જગ્યામાં થયેલા દબાણનો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવશે.

મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ વધુમાં જણાવ્યું હતું કે વિશ્વામિત્ર નદી ઉપર જણાઈ આવેલા દબાણમાં અગોરા મોલનું ક્લબ હાઉસ, રિટર્નિંગ વોલ,  સ્મૃતિ મંદિર,  મેરીલેન્ડ,  ગ્લોબલ સ્કૂલ, કારેલીબાગ એસ્ટેટની એક બે દુકાનો,  કાશીબા ચિલ્ડ્રન હોસ્પિટલ,  કારેલીબાગ વિષ્ણુકુંજ સોસાયટી દ્વારા માર્જિનની જગ્યામાં થયેલા દબાણો સહિતના ગેરકાયદે બાંધકામોનો સમાવેશ થાય છે.

Advertisement

Trending

Exit mobile version