ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને મુંબઈ ઇન્ડિયન્સ (MI) IPLની સૌથી સફળ ટીમો છે. બંને ટીમોએ પાંચ-પાંચ IPL ટાઇટલ જીત્યા છે.
- દુનિયાની સૌથી મોટી ટી20 લીગ ઇન્ડિયન પ્રીમિયર લીગમાં અત્યાર સુધી 18 સીઝન રમાઈ ચૂકી છે.
- રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)એ ગત સીઝનનો ખિતાબ જીત્યો હતો.
- તેણે ફાઇનલમાં પંજાબ કિંગ્સ (PBKS)ને 6 રને હરાવ્યું હતું.
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) મેચ જોવા માટે ક્રિકેટ ચાહકોએ હવે વધુ પૈસા ખર્ચવા પડશે. આનો અર્થ એ થયો કે IPL ટિકિટ હવે પહેલા કરતા વધુ મોંઘી થશે. ત્રીજી સપ્ટેમ્બરના રોજ GST કાઉન્સિલે નિર્ણય લીધો કે IPL અને તેના જેવી મોટી રમતગમતની ઈવેન્ટ્સની ટિકિટ પર હવે 40 ટકા GST (ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ) વસૂલવામાં આવશે.
IPL ટિકિટો પર 28 ટકા GST લાગતો હતો. હવે IPL ટિકિટોને સૌથી વધુ ટેક્સ સ્લેબ (40 ટકા)માં સમાવવામાં આવી છે, જેમાં કેસિનો, રેસ ક્લબ અને લક્ઝરી પ્રોડક્ટ્સનો પણ સમાવેશ થાય છે. આ નિર્ણય પછી IPL ટિકિટોના ભાવ પર સીધી અસર પડશે.
પહેલા 500 રૂપિયાની IPL ટિકિટ GST ઉમેર્યા પછી 640 રૂપિયામાં મળતી હતી. હવે તે 700 રૂપિયામાં મળશે. આનો અર્થ એ છે કે તમારે 60 રૂપિયા વધુ ખર્ચ કરવા પડશે. આ ઉપરાંત 1000 રૂપિયાની ટિકિટ હવે 1400 રૂપિયામાં મળશે. અગાઉ તે 1,280 રૂપિયામાં મળતી હતી. આનો અર્થ એ છે કે હવે 120 રૂપિયા વધુ ચૂકવવા પડશે. 2000 રૂપિયાની ટિકિટની કુલ કિંમત હવે 2800 રૂપિયા થશે. અગાઉ તે GST ઉમેર્યા પછી 2,560 રૂપિયામાં મળતી હતી. આનો અર્થ એ છે કે, 2000 રૂપિયાની ટિકિટ પર 240 રૂપિયા વધુ ખર્ચ કરવા પડશે.
ઈન્ટરનેશનલ અને અન્ય ક્રિકેટ મેચોની ટિકિટ પર પહેલાની જેમ 18 ટકા GST લાગુ રહેશે. માત્ર IPL અને અન્ય પ્રીમિયમ લીગને 40 ટકા ટેક્સ સ્લેબમાં રાખવામાં આવ્યા છે. સરકારનું કહેવું છે કે આ પગલું મહેસૂલ સંરેખણ અને બિનજરૂરી લક્ઝરી ખર્ચ પર ટેક્સ વધારવા માટે લેવામાં આવ્યું છે. આ નિર્ણય પછી સ્ટેડિયમમાં જઈને IPL મેચ જોવાનું મોંઘુ થઈ જશે.