દેશના સૌથી ચર્ચિત ધાર્મિક વિવાદોમાંના એક એવા મધ્ય પ્રદેશના ધાર જિલ્લાની ઐતિહાસિક ભોજશાળા અંગે સુપ્રીમ કોર્ટે એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. આગામી 23મી જાન્યુઆરી, 2026 ના રોજ આવતી વસંત પંચમી અને શુક્રવાર (જુમ્મા) ના સંયોગને ધ્યાનમાં રાખીને કોર્ટે પૂજા અને નમાજ બંને માટે સ્પષ્ટ વ્યવસ્થા જાહેર કરી છે.
- પૂજા અને નમાજનો સમય નિર્ધારિત:
સુપ્રીમ કોર્ટે વસંત પંચમીના પવિત્ર દિવસે હિન્દુ પક્ષને સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી સરસ્વતી પૂજા કરવાની પરવાનગી આપી છે. જોકે, આ દિવસે શુક્રવાર હોવાથી મુસ્લિમ પક્ષ માટે પણ બપોરે 1 થી 3 વાગ્યા સુધી જુમ્માની નમાજ પઢવા માટેનો સમય ફાળવવામાં આવ્યો છે.
- સુરક્ષા અને વ્યવસ્થા અંગે કડક આદેશ:
કોર્ટે સ્થાનિક તંત્રને પરિસરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે નીચે મુજબના આદેશો આપ્યા છે:
- પરિસરમાં યોગ્ય બેરિકેડિંગ અને હંગામી મંડપની વ્યવસ્થા કરવી.
- બંને પક્ષો માટે એન્ટ્રી (પ્રવેશ) અને એક્ઝિટ (નિકાસ) ગેટ અલગ રાખવા.
- મુસ્લિમ પક્ષે નમાજ માટે આવનારા લોકોની સંખ્યા અગાઉથી જિલ્લા મેજિસ્ટ્રેટને જણાવવી પડશે, જેથી તેમને પાસ ઈશ્યૂ કરી શકાય.
- કોર્ટની મહત્વપૂર્ણ ટિપ્પણી:
ચુકાદો સંભળાવતા કોર્ટે બંને સમુદાયોને સહિષ્ણુતા, પરસ્પર સહકાર અને સન્માન જાળવવા અપીલ કરી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે વહીવટીતંત્રના આદેશોનું ચુસ્તપણે પાલન કરવું અનિવાર્ય છે.
- શું છે ભોજશાળા વિવાદ?
- રાજા ભોજનું નિર્માણ: 11મી સદીમાં રાજા ભોજે આ ભવ્ય ભોજશાળાનું નિર્માણ કરાવ્યું હતું.
- ધાર્મિક માન્યતા: હિન્દુ પક્ષ તેને ‘વાગ્દેવી’ (માતા સરસ્વતી)નું મંદિર માને છે, જ્યારે મુસ્લિમ પક્ષ તેને ‘કમલ મૌલા મસ્જિદ’ તરીકે ઓળખે છે.
- ASI અને કાયદો: હાલમાં આ સ્થળ આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા (ASI) હેઠળ છે. વર્ષ 2003ની ગોઠવણ મુજબ, અહીં મંગળવારે પૂજા અને શુક્રવારે નમાજની પરંપરા ચાલી આવે છે.
- વસંત પંચમીનો પેચ: આ વર્ષે વસંત પંચમી શુક્રવારે આવતી હોવાથી વિવાદ વકર્યો હતો, જેનો હવે સુપ્રીમ કોર્ટે સુખદ અંત આણ્યો છે.
🫵આ ચુકાદાથી તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે અને 23મી જાન્યુઆરીએ ભોજશાળામાં આસ્થા અને શાંતિનો સંગમ જોવા મળે તેવી આશા સેવાઈ રહી છે.