માફિયાઓને ચેતવણી: “પાતાળમાંથી પણ શોધી કાઢીશું” – શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પેપર લીક કરનારાઓને આપી કડક ચેતવણી.
વિદ્યાર્થીઓ માટે રાહત:પરીક્ષા માટે 15 મિનિટનો વધારાનો સમય મળશે; આર્થિક બોજ સરકાર ઉઠાવશે અને મનગમતું સેન્ટર પસંદ કરી શકાશે.
નવી દિલ્હી: NEET 2026ની પરીક્ષાના પેપર લીક કાંડને લીધે દેશભરમાં મચેલા હોબાળા બાદ આજે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને મહત્વની પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. સરકારે લાખો વિદ્યાર્થીઓના હિતમાં માત્ર નવી પરીક્ષાની તારીખ જ જાહેર નથી કરી, પરંતુ સમગ્ર પરીક્ષા પદ્ધતિમાં ધરમૂળથી ફેરફાર કરવાની પણ જાહેરાત કરી છે.
શિક્ષણ મંત્રીએ જાહેરાત કરી છે કે પેપર લીક જેવી ગેરરીતિઓ પર કાયમી લગામ લગાવવા માટે આગામી વર્ષથી NEET UGની પરીક્ષા પરંપરાગત પેન-પેપર (OMR) મોડને બદલે ઓનલાઇન એટલે કે કોમ્પ્યુટર બેઝ્ડ (CBT) લેવામાં આવશે. આ નિર્ણયથી પરીક્ષાની સુરક્ષા વધુ મજબૂત બનશે અને પેપર લીક થવાની શક્યતા નહિવત થઈ જશે.
✍️21 જૂને નવી પરીક્ષા:
NTA (નેશનલ ટેસ્ટિંગ એજન્સી) દ્વારા જાહેર કરાયેલ નવી સૂચના મુજબ, રદ થયેલી NEET 2026ની પરીક્ષા હવે 21 જૂનના રોજ યોજાશે. આ વખતે વિદ્યાર્થીઓને પેપર લખવા માટે વધારાની 15 મિનિટનો સમય આપવામાં આવશે. વિદ્યાર્થીઓ પર વધારાનો આર્થિક બોજ ન પડે તેની જવાબદારી પણ સરકારે લીધી છે. તેમજ વિદ્યાર્થીઓ આગામી એક અઠવાડિયામાં પોતાની પસંદગીનું શહેર પરીક્ષા કેન્દ્ર તરીકે પસંદ કરી શકશે.
🧐તપાસ CBIના હવાલે:
શિક્ષણ મંત્રીએ કડક શબ્દોમાં જણાવ્યું કે, “અમારી લડાઈ પરીક્ષા માફિયાઓ સામે છે. જે લોકોએ લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કર્યા છે તેમને પાતાળમાંથી પણ શોધી કાઢવામાં આવશે.” આ સમગ્ર કૌભાંડની તપાસ CBI ને સોંપી દેવામાં આવી છે. તેમણે સ્વીકાર્યું હતું કે 12 મે સુધીમાં ‘ગેસ પેપર’ ના નામે સવાલો બહાર આવી ગયા હતા, જેના કારણે ભારે હૈયે પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવો પડ્યો હતો.
🫵સરકારના આ કડક વલણ અને ટેકનોલોજીના ઉપયોગથી શું આગામી સમયમાં પેપર લીકની ઘટનાઓ અટકશે? તે જોવું રહ્યું.