છત્તીસગઢના નક્સલ પ્રભાવિત બસ્તર ડિવિઝનમાં આજે સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. શનિવારે વહેલી સવારથી શરૂ થયેલા અલગ-અલગ એન્કાઉન્ટરમાં કુલ 12 નક્સલીઓને ઠાર કરવામાં આવ્યા છે. સુકમામાં 10 અને બીજાપુરમાં 2 નક્સલીઓ માર્યા ગયા હોવાના અહેવાલ છે. આ ઓપરેશન બાદ સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન તેજ કરી દેવામાં આવ્યું છે.
સુરક્ષાદળોની ટીમ: DRG (ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ) અને અન્ય સંયુક્ત સુરક્ષા દળો.
જપ્ત કરાયેલ સામાન: હથિયારો અને વિસ્ફોટક સામગ્રી.
📌ઘટનાની વિગતો:
સુકમામાં ભીષણ અથડામણ: સુકમા જિલ્લાના દક્ષિણ વિસ્તારમાં આવેલા જંગલોમાં નક્સલ વિરોધી અભિયાન હેઠળ સુરક્ષાકર્મીઓની ટીમ સર્ચ ઓપરેશન પર હતી. આ દરમિયાન જંગલમાં છુપાઈને બેઠેલા નક્સલીઓએ અચાનક ફાયરિંગ શરૂ કર્યું હતું. સુરક્ષાદળોએ વળતો હુમલો કરતા 10 નક્સલીઓને જમીનદોસ્ત કર્યા હતા.
બીજાપુરમાં ઓપરેશન: સમાંતર રીતે પડોશી જિલ્લા બીજાપુરમાં પણ સુરક્ષાદળોએ કાર્યવાહી કરી હતી. અહીં થયેલી અથડામણમાં 2 નક્સલીઓ માર્યા ગયા છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, માર્યા ગયેલા નક્સલીઓ પાસેથી મોટા પ્રમાણમાં હથિયારો મળી આવ્યા છે.
👮વરિષ્ઠ પોલીસ અધિકારીનું નિવેદન:
બસ્તર રેન્જના વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે કે, “ચોક્કસ બાતમીના આધારે આ જોઈન્ટ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. નક્સલીઓએ જવાનોને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ જવાનોની સતર્કતા અને જવાબી કાર્યવાહીમાં નક્સલીઓને ભારે નુકસાન વેઠવું પડ્યું છે.” વર્તમાન સ્થિતિ:
ઘટનાસ્થળે વધારાની પોલીસ કુમક મોકલી દેવામાં આવી છે.
આસપાસના ગામો અને ગાઢ જંગલોમાં હજુ પણ સર્ચ ઓપરેશન ચાલુ છે.
હોસ્પિટલ અને એરપોર્ટ પર એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેથી કોઈ પણ ઈમરજન્સીને પહોંચી વળાય.
સરકાર દ્વારા માર્ચ 2026 સુધીમાં નક્સલવાદને સંપૂર્ણપણે ખતમ કરવાના લક્ષ્યાંક વચ્ચે આ ઓપરેશન ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. બસ્તરમાં સુરક્ષાદળોનું મનોબળ અત્યારે સાતમા આસમાને છે.