ગ્રામજનોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે જો આગામી દિવસોમાં તેમને પૂરતા પ્રમાણમાં અને નિયમિત વીજ પુરવઠો નહીં મળે તો આનાથી પણ ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
- વિજકાપથી કંટાળી ચૂકેલા ગ્રામજનો મોટી સંખ્યામાં એકઠા થયા.
- આક્રોશ વ્યક્ત કરતાં છાજિયા લીધા હતા.
- દરુણીયા ગામમાં લાંબા સમયથી વીજળીની સમસ્યા વિકટ બની છે.
ગોધરા તાલુકાના દરુણીયા ગામમાં છેલ્લા કેટલાક સમયથી અનિયમિત અને વારંવાર ખોરવાતા વીજ પુરવઠાને કારણે સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.વિજકાપથી કંટાળી ચૂકેલા ગ્રામજનો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને ગોધરા સ્થિત મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ ની મુખ્ય કચેરી ખાતે ગુરૂવારે મોડી રાત્રે ભારે હોબાળો મચાવ્યો હતો અને પોતાનો આક્રોશ વ્યક્ત કરતાં છાજિયા લીધા હતા.
જ્યારે દરુણીયા ગામમાં લાંબા સમયથી વીજળીની સમસ્યા વિકટ બની છે. દિવસ-રાત ગમે ત્યારે વીજળી ગુલ થઈ જતાં ગ્રામજનોના રોજિંદા કાર્યોથી લઈને ખેતીના કામકાજ પર ગંભીર અસર પડી રહી છે. આ ઉપરાંત, વિદ્યાર્થીઓના અભ્યાસ અને વેપાર-ધંધા પર પણ માઠી અસર જોવા મળી રહી છે. વારંવારની મૌખિક રજૂઆતો છતાં કોઈ કાયમી નિરાકરણ ન આવતા આખરે ગ્રામજનોનો રોષ ભભૂકી ઉઠ્યો હતો.
જ્યારે ગ્રામજનોના ઉગ્ર મિજાજને જોતા એમજીવીસીએલ ના અધિકારીઓ કચેરીમાંથી બહાર દોડી આવ્યા હતા અને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. અધિકારીઓએ ગ્રામજનોને શાંતિ જાળવવા અપીલ કરી હતી અને તેમની સમસ્યા સાંભળીને વહેલી તકે નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી. જોકે, ગ્રામજનોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે જો આગામી દિવસોમાં તેમને પૂરતા પ્રમાણમાં અને નિયમિત વીજ પુરવઠો નહીં મળે તો આનાથી પણ ઉગ્ર આંદોલન કરવામાં આવશે.