લોકોમાં રોષ:નદી કિનારે મગરોના આતંકને લઈને સ્થાનિક રહીશોમાં ભય અને સુરક્ષા માટે માંગ.
બાલાસિનોર: મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના જનોડ ગામે આજે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. નદીમાં નાહવા ગયેલા એક વૃદ્ધને મગરે નિશાન બનાવી મોતને ઘાટ ઉતારી દેતા સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી ફેલાઈ ગઈ છે.
❓શું બની હતી ઘટના?
મળતી માહિતી મુજબ, જનોડ ગામના ભીખાભાઈ નાયક નામના વૃદ્ધ આજે સવારે નદી કિનારે નાહવા માટે ગયા હતા. તે દરમિયાન પાણીમાં છુપાયેલા એક મગરે અચાનક વૃદ્ધ પર હુમલો કરી તેમને જડબામાં પકડી લીધા હતા. આ ભયાનક દ્રશ્ય જોઈ ત્યાં હાજર અન્ય ગ્રામજનોએ બૂમાબૂમ કરી મગરને ભગાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ મગરે વૃદ્ધને અનેક જગ્યાએ બચકા ભરી ઊંડા પાણીમાં ખેંચી ગયા હતા, જેના કારણે વૃદ્ધનું ઘટનાસ્થળે જ કમનસીબ મોત નીપજ્યું હતું.
🧐તંત્રની કામગીરી:
ઘટનાની જાણ થતાં જ ગ્રામજનો નદી કિનારે એકઠા થઈ ગયા હતા. બાદમાં સ્થાનિકોની મદદથી મૃતક ભીખાભાઈના મૃતદેહને નદીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. સમગ્ર મામલાની જાણ થતાં જ બાલાસિનોર મામલતદાર, પોલીસ વિભાગ અને વહીવટી તંત્રની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે મૃતદેહનો કબજો મેળવીને તેને પોસ્ટમોર્ટમ (પી.એમ.) માટે હોસ્પિટલ ખાતે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી છે.
🗣️ગ્રામજનોમાં ભયનો માહોલ:
નદી કિનારે રહેતા ગ્રામજનોમાં આ ઘટનાને પગલે ભારે ભય અને આક્રોશ જોવા મળી રહ્યો છે. વારંવાર બનતી આવી ઘટનાઓ બાદ, હવે સ્થાનિક તંત્ર દ્વારા નદીમાં મગરોના આતંકને ડામવા માટે યોગ્ય પગલાં લેવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી છે. હાલ પોલીસ સમગ્ર ઘટના અંગે આગળની કાયદેસરની કાર્યવાહી કરી રહી છે.