Editor's Exclusive

ફરી સત્તા મળે,ન મળે.. જેટલું ભેગું થતું હોય કરી લો!: જીલ્લા પંચાયતમાં શું ચાલી રહ્યું છે?

Published

on

  • ગ્રાન્ટ “વેચાણ”થી મળતી હોવાના વિપક્ષના ગંભીર આક્ષેપો બાદ ભાજપના શાસકો સામે અનેક સવાલ!
  • ગ્રાન્ટનો અમુક હિસ્સો “વેચાણ” અર્થે કોને ધરાવવામાં આવે છે? જેનાથી જીલ્લા પંચાયતના શાસકોને શું લાભ?
  • “ટર્મ પુરી થવાના છેલ્લા મહિનાઓમાં કોણ માથાકૂટ કરે,માંગે એ આપી દો” આવું વિચારતા શાસકો શું ખરેખર પ્રજાનું ભલું કરવા બેઠા છે?
  • થોડા સમય પહેલા DDO સામે બાયો ચઢાવનાર શાસકોને દુઃખતું હતું પેટ,અને ફૂટતા હતા માથું?

(મૌલિક પટેલ-એડિટર)થોડા સમય પહેલા જીલ્લા પંચાયતના સ્વભંડોળની રકમના આયોજનો લખવા નથી દેતા અને તેની વહીવટી મંજૂરી મળતી નથી તેવી ફરિયાદ લઈને જીલ્લા પંચાયતમાં વર્ષોથી બની બેઠેલા અને પોતાને કુશળ વહીવટકર્તા માનતા એક સદસ્ય મોરચો લઈને મધ્ય ગુજરાતના સંગઠન પ્રભારી અને ત્યાર બાદ પ્રભારી મંત્રીને રજુઆત કરવા પહોંચ્યા હતા. જ્યાં તેઓએ જીલ્લા વિકાસ અધિકારીની ભરપેટ ફરિયાદો કરી હતી. તેઓએ એમ કહ્યું હતું કે, આયોજનો કર્યા બાદ પણ વહીવટી મંજૂરી મળતી નથી અને કેટલાક કામોમાં જીલ્લા વિકાસ અધિકારી મંજૂરી આપતા નથી.

આ ફરિયાદ પાછળ પહેલા તો જીલ્લા પંચાયત સદસ્યોનો સારો આશય જણાયો અને તેઓની કહાનીમાં જીલ્લા વિકાસ અધિકારી પોતે વિકાસના કામોમાં વિક્ષેપ કરતા હોવાનું જણાયું! જોકે ગતરોજ મળેલી સામાન્ય સભામાં વિપક્ષના આક્ષેપે તમામ કુશળ વહીવટકર્તાઓના અસલી ચહેરા સામે લાવી દીધા. જ્યાં ધમપછાડા સાથે જીલ્લા વિકાસ અધિકારીની ફરિયાદો કરીને વહીવટી મંજૂરી મેળવલી ગ્રાન્ટનો વેપાર થતો હોવાના આક્ષેપ થતા અનેક પોઇન્ટ કનેક્ટ થયા અને જીલ્લા પંચાયતમાં એન્ટી ચેમ્બરમાં કેવા કેવા ખેલ થાય છે એ વાત અદ્યતન સભાગૃહમાં ગુંજી ઉઠી.

કોણ છે લાખો-કરોડોની ગ્રાન્ટનો વેપારી?

જે વ્યક્તિ જીલ્લા પંચાયત સદસ્ય નથી, જે વ્યક્તિ જીલ્લા પંચાયતનો પ્રમુખ પણ નથી તે વ્યક્તિએ પાછલા છ મહિનામાં આશરે દોઢ કરોડ ઉપરાંતના આયોજનો લખ્યા,અને તેમાંય મોટા ભાગના એટલે કે લગભગ 80 ટકા આયોજનોને વહીવટી મંજૂરી પણ અપાવી દીધી. આ વહીવટી મંજૂરી અધ્યક્ષ સ્થાનેથી મળી હોવાની અટકણો વચ્ચે મંજુર થયેલા કામોની બોલી બોલાઈ હોવાનો આક્ષેપ પણ વિપક્ષના નેતા મુબારક પટેલે કર્યા છે.

મુબારક પટેલ પોતે જાણીતા ધારાશાસ્ત્રી છે એટલે તેઓએ એક એક શબ્દ ખૂબ જવાબદારી પૂર્વક વાપરીને જણાવ્યું કે, છેલ્લા 15 દિવસમાં જીલ્લા પંચાયતમાં એક વ્યક્તિની સૂચક હાજરી આખે ઉડીને વળગી છે. એ વ્યક્તિ જીલ્લા પંચાયત સદસ્ય નથી,એ વ્યક્તિ જીલ્લા પંચાયત પ્રમુખ પણ નથી. છતાંય કેબિનમાં બેસીને કોન્ટ્રાકટરોને બોલાવીને મંજુર થયેલી ગ્રાન્ટનું “વેચાણ” કરે છે.(વેચાણ શબ્દનો ઉપયોગ અહીંયા એટલા માટે કે કોન્ટ્રાકટરોને ગ્રાન્ટ આપ્યા બાદ તેની સામે તે વ્યક્તિ કોઈ ચેક્ક્સ “લાભ” લે છે). આ સાથે તેઓએ જણાવ્યું કે,આ ચોક્કસ વ્યક્તિની સતત અવરજવર અને ગ્રાન્ટના વેચાણની જીલ્લા વિકાસ અધિકારી કમિટીની રચના કરીને તપાસ કરાવે તો ગ્રાન્ટ કેવી રીતે વેચાણથી મળે છે તેના પુરાવા વિપક્ષ આપશે. જરૂર પડે તો સરકારી ગ્રાન્ટની ભાગબટાઈના કિસ્સામાં લાંચ રૂશ્વત વિરોધી શાખામાં ફરીયાદ કરવામાં આવે તો અનેક ચહેરાઓ બેનકાબ થશે.

એક પત્ર છુપાવી શકાય,જો એક પત્ર પણ બહાર આવી જાય તો શું થાય?

મહત્વનું છે કે, આવા સ્ફોટક નિવેદન વચ્ચે જો ખરેખર તપાસનો આદેશ આપવામાં આવે તો શાસક પક્ષના કહેવાતા કુશળ વહીવટકર્તાઓના તંબુમાં ફફડાટ વ્યાપી જાય.. હજી તો આજની સામાન્ય સભામાં “વેચાણ”માટે વપરાતા ગ્રાન્ટના કેટલાક હિસ્સાને પણ પ્રાથમિક મંજૂરી મળી હોવાની ચર્ચા છે. શાસકોની ટર્મ પૂર્ણ થવાના અંતિમ મહિનાઓમાં આવું કોઈ કૌભાંડ વિપક્ષના હાથમાં આવી જાય, તો જીલ્લાની ચૂંટણીઓમાં નામશેષ થેયલી કોંગ્રેસને લડવા માટે એક દસ્તાવેજી પુરાવા સાથેનો મજબૂત મુદ્દો મળી જાય!

Trending

Exit mobile version