Vadodara

જવાબદાર કોણ? ગોત્રી GMERS માં ચેકિંગ વગર બીજાનું લોહી ચઢાવી દેવાતા હંગામો; પરિણીતાની હાલત ગંભીર

Published

on

  • ગોત્રી હોસ્પિટલની ઘોર બેદરકારી: આણંદની પરિણીતાને બીજા ગ્રુપનું લોહી ચઢાવી દેવાતા તબિયત લથડી; ICUમાં સારવાર હેઠળ.
  • નર્સિંગ સ્ટાફનો છબરડો: દર્દીના સગા બ્લડ બેંકમાંથી લોહી લેવા ગયા અને નર્સે ભૂલથી અન્ય દર્દીનું બ્લડ પીડિતાને ચઢાવી દીધું.
  • હોસ્પિટલમાં હોબાળો: સગા લોહી લઈને પાછા ફર્યા ત્યારે ભાંડો ફૂટ્યો; નર્સિંગ સ્ટાફના હાથ-પગ ફૂલી ગયા.
  • તંત્ર સામે સવાલ: જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ; ઉચ્ચ અધિકારીઓએ તપાસના આદેશ આપ્યા.

વડોદરા: સંસ્કારી નગરી વડોદરાની સરકારી ગોત્રી જીએમઈઆરએસ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફની એક એવી ગંભીર બેદરકારી સામે આવી છે, જેણે દર્દીના જીવને જોખમમાં મૂકી દીધો છે. જરૂરી ચેકિંગ કર્યા વગર એક પરિણીતાને અન્ય દર્દીના બ્લડ ગ્રુપનું લોહી ચઢાવી દેવામાં આવતા હોસ્પિટલ પરિસરમાં ભારે હોબાળો મચી ગયો છે.

શું બની હતી ઘટના?

આણંદ જિલ્લાના ભેટાસીની એક પરિણીતા ટીબી (TB) ના રોગથી પીડાતી હોવાથી અને હિમોગ્લોબીન ઘટી જવાથી સારવાર અર્થે ગોત્રી હોસ્પિટલ લાવવામાં આવી હતી. તબીબોએ લોહી ચઢાવવાની સલાહ આપતા દર્દીના સગા બ્લડ બેંકમાં લોહી લેવા ગયા હતા. દરમિયાન, હોસ્પિટલમાં ફરજ પરના નર્સિંગ સ્ટાફે અન્ય કોઈ દર્દી માટે મંગાવેલું બીજા ગ્રુપનું લોહી આ પરિણીતાને ચઢાવી દીધું હતું.

🤨સગા પાછા ફર્યા ત્યારે ભાંડો ફૂટ્યો:

જ્યારે દર્દીના સગા બ્લડ બેંકમાંથી લોહી લઈને વોર્ડમાં પહોંચ્યા, ત્યારે નર્સિંગ સ્ટાફ પોતે ચોંકી ઉઠ્યો હતો. જોકે, ત્યાં સુધીમાં કેટલાક એમએલ લોહી પરિણીતાના શરીરમાં પહોંચી ચૂક્યું હતું. ખોટા ગ્રુપનું લોહી ચઢતા જ પરિણીતાની તબિયત એકાએક લથડી હતી, જેને પગલે તેમને તાત્કાલિક આઈસીયુ (ICU) માં ખસેડવામાં આવ્યા છે.

🧐તંત્રની ઉદાસીનતા સામે આક્રોશ:

ઘટનાની જાણ થતા જ દર્દીના પરિવારજનોએ હોસ્પિટલમાં ભારે હંગામો મચાવ્યો હતો અને આરોગ્ય સેવાઓ પર પ્રશ્નાર્થ ચિન્હ ઉભા કર્યા હતા. હોસ્પિટલના ઉચ્ચ અધિકારીઓએ દોડી આવી સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા છે. દર્દીના સગાની માંગ છે કે જે સ્ટાફે આટલી મોટી બેદરકારી દાખવી છે, તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે.

🫵સરકારી હોસ્પિટલમાં જ્યારે ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ વિશ્વાસ સાથે આવતા હોય, ત્યારે આવી જીવલેણ બેદરકારી તંત્રની ઉદાસીનતા છતી કરે છે. હવે જોવાનું એ રહેશે કે શું તંત્ર આ નર્સિંગ સ્ટાફ સામે માત્ર નોટિસ આપીને સંતોષ માનશે કે પછી દાખલારૂપ કાર્યવાહી કરશે.

Trending

Exit mobile version