- દારૂના અડ્ડા પર રેડ: વડોદરા એલ.સી.બી. ઝોન-3 ની ટીમે મકરપુરા વિસ્તારમાં દરોડો પાડી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો.
- બે આરોપીઓની ધરપકડ: સુરેશ ઉર્ફે કાંચો થાપા અને રાજન પટેલ નામના બે ઈસમોની દારૂના વેચાણ બદલ ધરપકડ.
- મુદ્દામાલ જપ્ત: પોલીસે વિદેશી દારૂ અને બિયરના કુલ 639 નંગ (કિંમત રૂ. 97,651), મોબાઈલ ફોન અને બે ટુ-વ્હીલર મળી કુલ રૂ. 2.47 લાખનો મુદ્દામાલ કબજે કર્યો.
- ચાર આરોપીઓ ફરાર: મુખ્ય સૂત્રધાર સુરેશ કાંચોના અન્ય સાગરીતો જીતેન્દ્ર ઉર્ફે જીત, રૂપેશ કેન્ડેલકર, અજય ઠાકોર અને અજય પંચાલને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા.
વડોદરા: વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર અને સેક્ટર-02 સંયુક્ત પોલીસ કમિશનર નીલેશ જાજડીયાના માર્ગદર્શન હેઠળ ઝોન-03 એલ.સી.બી. ની ટીમે અસામાજિક પ્રવૃત્તિઓ ડામવા સઘન ઝુંબેશ હાથ ધરી છે. આ અંતર્ગત મકરપુરા વિસ્તારમાં દારૂનું વેચાણ કરતા સુરેશ ઉર્ફે કાંચો ટેકબહાદુર થાપાના અડ્ડા પર પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા.
🚨કાર્યવાહીની વિગત:
પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે મકરપુરાના જશોદાનગર સામે આવેલી ભાટજીનગરમાં રેડ કરવામાં આવી હતી. આ દરમિયાન સુરેશ ઉર્ફે કાંચો અને તેનો સાથી રાજન મૂળજીભાઈ પટેલને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી લેવામાં આવ્યા હતા. પૂછપરછમાં આ દારૂના વેચાણ પાછળ જીતેન્દ્ર ઉર્ફે જીત, રૂપેશ કેન્ડેલકર, અજય ઠાકોર અને અજય પંચાલની સંડોવણી હોવાનું બહાર આવતા પોલીસે તેમને વોન્ટેડ જાહેર કરી શોધખોળ શરૂ કરી છે.
👮જપ્ત કરાયેલો મુદ્દામાલ:
પોલીસે સ્થળ પરથી ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો અને બિયર ટીન મળી કુલ 639 નંગ જપ્ત કર્યા છે, જેની બજાર કિંમત રૂ. 97,651 છે. આ ઉપરાંત 3 મોબાઈલ ફોન અને 2 ટુ-વ્હીલર વાહનો મળી કુલ રૂ. 2,47,651 ની મત્તા પોલીસે કબજે કરી મકરપુરા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
👉શહેરમાં દારૂની બદીને નેસ્તનાબૂદ કરવા માટે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી આ કામગીરીથી બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. હવે વોન્ટેડ આરોપીઓ પોલીસ પકડમાં ક્યારે આવે છે તે જોવું રહ્યું.