- ચુસ્ત સુરક્ષા કવચ: કુંભારવાડા સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં ભગવાન શ્રીરામની શોભાયાત્રા પૂર્વે પોલીસનો ‘ચાંપતો બંદોબસ્ત’.
- ડ્રોન નજર: આકાશમાંથી રજેરજની ગતિવિધિ પર નજર રાખવા કુંભારવાડા પોલીસ દ્વારા રૂટ પર ડ્રોન ઉડાવાયા.
- ધાબા ચેકિંગ: કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે રૂટ પર આવતા તમામ મકાનોના ધાબાનું સઘન ચેકિંગ હાથ ધરાયું.
- રૂટ પર સસ્પેન્સ: વિહિપની ‘ફતેપુરા’ રૂટની માંગ વચ્ચે ૫ પોલીસ સ્ટેશનના નેગેટિવ રિપોર્ટથી પોલીસ તંત્ર સાવધ.
વડોદરા: વડોદરામાં આવતીકાલે ઉજવાનારા રામનવમી પર્વને લઈને પોલીસ તંત્ર સજ્જ બન્યું છે. ખાસ કરીને શહેરના સંવેદનશીલ ગણાતા કુંભારવાડા અને ફતેપુરા વિસ્તારમાં નીકળનારી ભગવાન શ્રીરામની શોભાયાત્રાને લઈને સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે.
👮ધાબા ચેકિંગ અને ડ્રોન સર્વેલન્સ:
કુંભારવાડા પોલીસ સ્ટેશનના પી.આઈ. (PI) સહિતના કાફલા દ્વારા આજે શોભાયાત્રાના રૂટ પર વિશેષ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. શોભાયાત્રાના રૂટ પર આવતા તમામ મકાનો અને ઇમારતોના ધાબા પર જઈને પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ સાથે જ, આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી ડ્રોન દ્વારા સમગ્ર રૂટનું એરિયલ સર્વેલન્સ કરવામાં આવ્યું હતું, જેથી સંવેદનશીલ પોઈન્ટ્સ પર બાજ નજર રાખી શકાય.
🚨પોલીસનો ચાંપતો બંદોબસ્ત:
શહેરમાં કુલ 23 શોભાયાત્રાઓ નીકળવાની છે, જેમાં સૌથી વધુ ધ્યાન સંવેદનશીલ વિસ્તારો પર કેન્દ્રિત કરવામાં આવ્યું છે. પોલીસ કમિશનર નરસિમ્હા કોમરના માર્ગદર્શન હેઠળ કુંભારવાડા અને આસપાસના વિસ્તારોમાં એસ.આર.પી. (SRP) અને લોકલ પોલીસનો મસમોટો કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે.
🙏શાંતિની અપીલ:
એક તરફ પાલિકા દ્વારા રૂટ પરના દબાણો દૂર કરવામાં આવ્યા છે, તો બીજી તરફ પોલીસ દ્વારા સતત ફૂટ પેટ્રોલિંગ કરી જનતામાં વિશ્વાસનું વાતાવરણ ઉભું કરવામાં આવી રહ્યું છે. પોલીસ અધિકારીઓએ નાગરિકોને શાંતિપૂર્ણ રીતે તહેવાર ઉજવવા અને સોશિયલ મીડિયા પર અફવાઓથી દૂર રહેવા અપીલ કરી છે.
👉આવતીકાલે નીકળનારી આ ભવ્ય શોભાયાત્રામાં ભક્તિ સાથે સુરક્ષાનું પણ પૂરતું ધ્યાન રાખવામાં આવ્યું છે.