વડોદરા શહેરના ગોરવા પોલીસ સ્ટેશનની ટીમે એક મોટી સફળતા મેળવતા, રાજકોટ અને દિલ્હીમાં ઘરફોડ ચોરી કરનાર એક રીઢા મહિલા આરોપીને લાખોના મુદ્દામાલ સાથે ઝડપી પાડી છે. પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર અને એડિશનલ પોલીસ કમિશનર લીના પાટીલની સૂચના હેઠળ મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા માટે ચાલી રહેલી ઝુંબેશ દરમિયાન આ સફળતા મળી છે.
❓કેવી રીતે ઝડપાઈ મહિલા તસ્કર?
ગોરવા પોલીસ સ્ટેશનના પી.આઈ. કે.એન. લાઠીયા અને એલ.પી. ભારાઈના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમ.આર. ગાંગાણીની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન હેડ કોન્સ્ટેબલ પ્રભાતભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ રાજુભાઈને ચોક્કસ બાતમી મળી હતી કે, ગોત્રી G.M.E.R.S. ગર્લ્સ હોસ્ટેલ પાસે એક શંકાસ્પદ મહિલા ચોરીના દાગીના સાથે ફરી રહી છે અને નવી ચોરી માટે રેકી કરી રહી છે.
પોલીસે બાતમીના આધારે સ્થળ પર વોચ ગોઠવીને કાળા ટી-શર્ટ અને ગળામાં ગુલાબી દુપટ્ટો પહેરેલી મહિલાને કોર્ડન કરી ઝડપી લીધી હતી.
✍️આરોપીની વિગત
નામ: દીપ્તિ દિનેશસિંગ સિંહ (ઉંમર વર્ષ 30)
રહેઠાણ: સાઉથ સિટી કોલોની, લખનઉ (ઉત્તર પ્રદેશ)
🧐કબૂલાત અને ગુનાનો ઇતિહાસ
પોલીસની સઘન પૂછપરછમાં આરોપી મહિલાએ કબૂલ્યું હતું કે:
રાજકોટ: પ્રધ્યુમન પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીમાં તેની સંડોવણી છે (BNS કલમ 305-એ, 331-1 મુજબ).
દિલ્હી: આશરે 10 દિવસ પહેલા દિલ્હીની જાણીતી રામ મનોહર લોહિયા (RML) હોસ્પિટલમાં પણ તેણે ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો.
🚨કબ્જે કરેલો મુદ્દામાલ
પોલીસે આરોપી મહિલા પાસેથી કુલ રૂ. 2,04,200 ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે:
સોનાના બ્રેસલેટ, ચેન અને નેકલેસ.
સોનાની વીંટી અને બુટ્ટીઓ (નંગ 7).
સોનાની તૂટેલી ચેન અને અન્ય ઇમિટેશન જ્વેલરી.
👮હાલમાં ગોરવા પોલીસે મહિલા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને અન્ય કોઈ મોટા ગુનામાં તેની સંડોવણી છે કે કેમ તે અંગે તપાસ શરૂ કરી છે.