- અમારે મીલીટરીને પુછવું પડે, અમારાથી કંઇ ના થાય. ત્યાર બાદ તેમણે કહ્યું કે, ઝાડ કાપનારા આવે છે. પણ કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી
વડોદરાના લાલબાગ વિસ્તારમાં આજે સવારે ઝાડનો મોટો ભાગ પડવાની ઘટના સામે આવી હતી. આ ઘટનામાં ઝાડ નીચે ત્રણ લોકો દબાયા હોવાની જાણ થતા જ તુરંત ફાયર બ્રિગેડનો સ્ટાફ દોડી આવ્યો હતો. તેમના આવતા પહેલા જ ઝાડ નીચે દબાયેલા ત્રણેયને બચાવી લેવામાં આવ્યા હતા. ત્રણેયને શરીરે નાનું-મોટું છોલાઇ ગયું હોવાનું પ્રત્યદર્શીનું જણાવવું છે. સ્થાનિકોએ આ ઝાડ દુર કરવા અંગે અગાઉ પાલિકામાં જાણ કરી હતી. પરંતુ કોઇ નક્કર કાર્યવાહી કરવામાં નહીં આવતા આજે આ ઘટના ઘટી હોવાનું જાણવા મળી રહ્યું છે.
શહેરના લાલબાગ વિસ્તારમાં આજે સવારે ઝાડ પડ્યું હતું. ઝાડ નીચે આવેલી લારી પર સંચાલક તથા ગ્રાહકો હાજર હતા. તે દરમિયાન ઝાડ પડવાના કારણે તેઓ દબાયા હતા. ઘટનાની જાણ થતા જ તુરંત આસપાસના લોકો દોડી આવ્યા હતા. અને રેસ્ક્યૂ કરીને તમામને બચાવી લેવાયા હતા.
સ્થાનિક ઘનશ્યામભાઇ ઠક્કરે મીડિયાને જણાવ્યું કે, આ ઝાડ અંગે અમે વિતેલા ત્રણ મહિનાથી પાલિકામાં રજુઆત કરી રહ્યા છીએ. તે લોકો આવીને જોઇ ગયા હતા. તેમણે જવાબ આપ્યો કે, અમારે મીલીટરીને પુછવું પડે, અમારાથી કંઇ ના થાય. ત્યાર બાદ તેમણે કહ્યું કે, ઝાડ કાપનારા આવે છે. પણ કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. આજે સવારે પોણા ભાગનું ઝાડ નીચે પડી ગયું છે. સામાન્ય દિવસોમાં અહિંયા કારનું પાર્કિંગ કરવામાં આવે છે. પરંતુ રજા હોવાથી કારનું પાર્કિંગ કરવામાં આવ્યું નથી. નહીં તો વધારે નુકશાન થયું હોત. આ ઝાડ પડવાના કારણે છોકરાઓ દબાઇ ગયા હતા. પરંતુ સદ્નસીબે તેઓ સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા હતા.
દાંડીયાબજાર ફાયર સ્ટેશનના સબ ફાયર ઓફિસર રવિન્દ્ર કદમએ મીડિયાને જણાવ્યું કે, અમને કંટ્રોલરૂમથી મેસેજ મળ્યો હતો. કે ઝાડ પડ્યું છે, અને તેના નીચે ત્રણ લોકો દબાયા છે. તે બાદ દોઢ મીનીટમાં અમે અહિંયા આવી પહોંચ્યા હતા. રસ્તાનું કામ ચાલતું હોવાના કારણે થોડીક મુશ્કેલી પડી હતી. આ ઇમલીનું કાંટાવાળું ઝાડ છે.