Karjan-Shinor

મહારાષ્ટ્રથી ગુજરાતમાં ‘દારૂની એન્ટ્રી’ પર બ્રેક: ઘાસના ભૂસાની આડમાં કન્ટેનરમાંથી મળી 6,300 બોટલો!

Published

on

  • ચૂંટણી પહેલા એક્શનમાં પોલીસ: મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ હાઈવે પરથી લાખોનો દારૂ ઝડપાયો.
  • ઘાસના ભૂસાની આડમાં તસ્કરી: જિલ્લા LCBએ બાતમીના આધારે કન્ટેનર રોકી 64 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો.
  • મહારાષ્ટ્ર કનેક્શન: સતારાથી મોકલાયેલ દારૂના જથ્થા સાથે બે આરોપીઓની ધરપકડ.

ગુજરાતમાં આગામી ચૂંટણીને પગલે પોલીસ તંત્ર એલર્ટ મોડ પર છે. રાજ્યમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે બુટલેગરો અવનવા કિમીયા અજમાવી રહ્યા છે, પરંતુ જિલ્લા LCBએ તેમની ચાલાકી પર પાણી ફેરવી દીધું છે. મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ હાઈવે પરથી પોલીસે દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે.

ઘટનાની વિગત એવી છે કે, મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ હાઈવે પર કરજણ તાલુકાના સાપા ગામના ઓવરબ્રિજ પાસે જિલ્લા LCBની ટીમ વોચમાં હતી. બાતમી મળી હતી કે મહારાષ્ટ્ર પાસીંગના એક કન્ટેનરમાં દારૂનો જથ્થો ભરૂચ થઈને કરજણ તરફ આવી રહ્યો છે.

પોલીસે શંકાસ્પદ કન્ટેનરને અટકાવી જ્યારે તપાસ કરી, ત્યારે ઉપરના ભાગે ઘોડાના ઘાસના ભૂસાની ગુણીઓ ભરેલી જોવા મળી હતી. જોકે, પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતા ભૂસાની આડમાં છુપાવેલી 525 પેટીઓ મળી આવી હતી, જેમાં દારૂની કુલ 6,300 બોટલ ભરેલી હતી.

આ કાર્યવાહીમાં પોલીસે કુલ 64.33 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં 54.58 લાખની કિંમતનો દારૂ સામેલ છે. સ્થળ પરથી બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે:

  1. મહેશસિંહ જીલુભા સોલંકી (રહે. આણંદ)
  2. ભરત પોપટ પરસોડ (રહે. કચ્છ)

પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે આ દારૂનો જથ્થો મહારાષ્ટ્રના સતારા જિલ્લાના મલકાપુર ખાતે રહેતા જમીર હારુન હસન પટેલ નામના શખ્સે મોકલ્યો હતો. હાલ પોલીસે આ મામલે ગુનો નોંધી દારૂ ક્યાં પહોંચાડવાનો હતો અને આ નેટવર્કમાં અન્ય કોણ સામેલ છે તેની તપાસ તેજ કરી છે.

🫵ચૂંટણી ટાણે દારૂની આટલી મોટી ખેપ ઝડપાતા પોલીસ વિભાગમાં મોટી સફળતા માનવામાં આવી રહી છે.

Trending

Exit mobile version