કારેલીબાગ રાત્રી બજારની 15થી વધુ દુકાનો ગેસના અભાવે બંધ થઈ.
- લાકડાના ચૂલા પર રસોઈ બનાવવામાં વધુ સમય લાગતા ગ્રાહકોને કલાકો સુધી રાહ જોવી પડે છે.
- ધંધા-રોજગાર ઠપ્પ થવાથી અનેક પરિવારો બેરોજગાર થવાની ભીતિ.
- વેપારીઓમાં દ્વિધા—લાકડા પર કામ ચલાવવું કે ધંધાને હંમેશા માટે તાળાં મારી દેવા.
રશિયા-યુક્રેન હોય કે મધ્ય પૂર્વના દેશો, સાત સમંદર પાર રમાતા યુદ્ધની સીધી અસર હવે વડોદરાના રસોડા સુધી પહોંચી છે. સંસ્કારી નગરીમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની એવી તો અછત સર્જાઈ છે કે, વેપારીઓએ હવે આધુનિક ગેસ સ્ટવ છોડીને ફરી ‘દેશી ચૂલા’ અને લાકડાનો સહારો લેવો પડ્યો છે.
વડોદરાનું પ્રખ્યાત ખાણી-પીણીનું હબ ગણાતું કારેલીબાગ રાત્રી બજાર અત્યારે ગેસ સંકટનો સૌથી મોટો શિકાર બન્યું છે. ગેસ સિલિન્ડરના અભાવે અહીંની 15થી વધુ જાણીતી દુકાનોને તાળાં લાગી ગયા છે. જે વેપારીઓએ સાહસ કરીને ધંધો ચાલુ રાખ્યો છે, તેમણે મજબૂરીમાં લાકડા સળગાવીને ચૂલા પર રસોઈ બનાવવી પડી રહી છે.
“સાહેબ, ગેસ મળતો નથી અને જો ક્યાંક મળે તો તેના ભાવ આસમાને છે. ગ્રાહકોને કલાકો સુધી રાહ જોવડાવવી પડે છે. જો આવું જ ચાલ્યું તો અમારે ધંધા કાયમ માટે બંધ કરવા પડશે.”
આ માત્ર વ્યવસાયિક નુકસાન નથી, પરંતુ હજારો પરિવારોની રોજીરોટી પર આવેલું સંકટ છે. હોટલ અને રેસ્ટોરન્ટમાં ભોજન માટે આવતા ગ્રાહકો પણ કંટાળી રહ્યા છે, કારણ કે ચૂલા પર રસોઈ બનાવવામાં ઘણો સમય વેડફાય છે. બીજી તરફ, ગેસ એજન્સીઓ પણ પુરવઠો ન હોવાનું કહીને હાથ ઊંચા કરી રહી છે.
🧐શું આ અછત કૃત્રિમ છે કે પછી યુદ્ધની વૈશ્વિક પરિસ્થિતિ ખરેખર વડોદરાના વેપારને ઠપ્પ કરી દેશે? અત્યારે તો વડોદરાના વેપારીઓ માત્ર એક જ આશા રાખી રહ્યા છે કે જલ્દી ગેસનો પુરવઠો પૂર્વવત થાય અને ચૂલાનો ધુમાડો શમે.