બનાવ:છાસ લેવા આવેલી બાળકી સાથે દુકાનદારે અડપલાં કર્યા.
લોક આક્રોશ:સોસાયટીના રહીશોએ આરોપી સામે અગાઉ પણ આવી ફરિયાદો હોવાનું જણાવી ઉગ્ર વિરોધ કર્યો.
પોલીસ કાર્યવાહી:નવાપુરા પોલીસે આરોપીને કસ્ટડીમાં લઈ પૂછપરછ શરૂ કરી.
સંસ્કારી નગરી વડોદરામાં માસૂમ બાળકીઓ સુરક્ષિત છે કે કેમ? તેવો પ્રશ્ન ફરી એકવાર ઉભો થયો છે. શહેરના પોલો ગ્રાઉન્ડ નજીક આવેલી રાજસ્થંભ સોસાયટીમાં એક વૃદ્ધ દુકાનદારે પોતાની ઉંમરની મર્યાદા નેવે મૂકીને એક માસૂમ બાળકી સાથે અડપલાં કર્યા હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે રોષ અને ચકચાર મચી ગઈ છે.
ઘટનાની વિગત મુજબ, સોસાયટીમાં જ રહેતી એક નાની બાળકી નજીકની જનરલ સ્ટોર પર છાસ લેવા માટે ગઈ હતી. આ સમયે દુકાન ચલાવતા વૃદ્ધે બાળકી સાથે અયોગ્ય ચેષ્ટા કરી હતી. ગભરાયેલી બાળકી રડતી રડતી ઘરે પહોંચી અને આપવીતી પરિવારજનોને જણાવી. આ વાત વાયુવેગે સોસાયટીમાં ફેલાતા જ લોકોનો પિત્તો ગયો હતો અને મોટી સંખ્યામાં લોકો દુકાન બહાર એકત્ર થઈ ગયા હતા.
🧐સોસાયટીની મહિલા
“આ માણસની હરકતો પહેલેથી જ ખરાબ છે. અગાઉ પણ બે-ત્રણ વાર આવી ફરિયાદો ઉઠી હતી, પણ વાલીઓ લાજ-શરમના કારણે ચૂપ રહેતા હતા. હવે પાણી માથા પરથી જતું રહ્યું છે, આને જેલના સળિયા પાછળ જ ધકેલવો જોઈએ.”
ઘટનાની ગંભીરતાને જોતા નવાપુરા પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. લોકોના આક્રોશ વચ્ચે પોલીસે આરોપી દુકાનદારને કસ્ટડીમાં લીધો છે. પોલીસે બાળકી અને તેના પરિવારના નિવેદન નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જોકે, સ્થાનિકોની માંગ છે કે આવા વિકૃત માનસ ધરાવતા શખ્સ સામે દાખલો બેસે તેવી કડક સજા થવી જોઈએ.
માસૂમ બાળકો સાથે થતી આવી ઘટનાઓ સમાજ માટે ચિંતાનો વિષય છે. હવે જોવાનું એ રહેશે કે પોલીસ આ મામલે કેટલી ઝડપી અને કડક કાર્યવાહી કરે છે જેથી ભવિષ્યમાં કોઈ આવી હિંમત ન કરે.