કલકત્તાની મેડિકલ કોલેજમાં તબિબ યુવતિ જોડે દુષ્કર્મ અને હત્યાની ઘટના બાદ દેશભરમાં વિરોધ જોવા મળી રહ્યો છે. ગઇ કાલથી તબિબો ઇમરજન્સી સિવાયની સેવાઓમાંથી દુર રહી વિરોધ નોંધાવી રહ્યા છે. સાથે જ તબિબો સહિતના હોસ્પિટલના સ્ટાફ માટે સુરક્ષા, મામલાની સીબીઆઇ ઇન્કવાયરી સહિતની માંગ મુકવામાં આવી રહી છે. આજે વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલી જીએમઇઆરએસ – મેડિકલ કોલેજના તબિબો દ્વારા લોકજાગૃતિનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સાથે જ સરકારને પત્ર લખીને પોતાનું સમર્થના આપવા માટે અપીલ કરવામાં આવી રહી છે. આ સાથે જ દર્દીઓને કોઇ પણ પ્રકારે તકલીફ ન પડે તે રીતે એસએસજી હોસ્પિટલમાં પણ તબિબો દ્વારા હડતાલ પાડવામાં આવી રહી છે.
આજે વડોદરામાં તબિબોની હડતાલનો બીજો દિવસ છે. જેમાં ગોત્રી જીએમઇઆરએસ હોસ્પિટલમાં અનોખી રીતે વિરોધ દર્શાવવમાં આવી રહ્યો છે. તે અંગે તબિબે મીડિયાને જણાવ્યું છે. વડોદરા જીએમઇઆરએસ હોસ્પિટલનાત તબિબો દ્વારા હડતાલને લઇને દર્દીઓ તથા તેમના સગાને જાગૃત કરવામાં આવી રહ્યા છે. તેમની સામે પોસ્ટર બતાવી, તેમને સમજાવીને આ પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. આ અંગે તબિબે જણાવ્યું કે, અમે ઓપીડી અને વોર્ડમાં ફરી રહ્યા છે. દર્દીઓ અને તેમના સગાને વાત કરી, તેમની સમજ આપી, જાણ કરી રહ્યા છે. આ વિરોધ માત્ર ડોક્ટરોનો નથી, તમારો પણ છે. દેશની દિકરી જોડે આવી ઘટના બની છે. તેમણે પણ તેમાં ભાગ લેવો જોઇએ. આ અંગે તેમને કોઇ મૂંઝવણ હોય તો તેનો અમે ઉકેલ લાવીએ છીએ. અમે તેમને જણાવ્યું કે, તેઓ અમારી સાથે વિરોધમાં બેસી ન શકે તો કોઇ વાંધો નહી. પરંતુ સરકારને એક મેસેજ મળે કે, સામાન્ય લોકો પણ આ વિરોધમાં જોડાઇ રહ્યા છે. તે માટે સરકારમાં તેમના તરફથી પત્ર લખીને મોકલાય. જેથી સત્વરે આ મામલામાં સરકાર એક્શન લે.
મહિલા તબિબે મીડિયાને જણાવ્યું કે, અમે લોકોને પેમ્પલેટ આપી રહ્યા છીએ. તેમાં જાણકારી આપવામાં આવી છે. મેડીકલ કોલેજમાં દુષ્કર્મ-હત્યા અંગે લખ્યું છે. સમગ્ર ઘટનાક્રમનો ઉલ્લેખ છે. ત્યાર બાદ અમે કેમ હડતાલ કરી રહ્યા છીએ, અમારે શું જોઇએ છે, તેની જાણકારી આપવામાં આવી રહી છે. અમારે ડોક્ટરો માટે પ્રોટેક્શન એક્ટ જોઇએ, પીડિતાને ન્યાય અપાવવા માટે સીબીઆઇ ઇન્કવાયરી શરૂ થાય, હોસ્પિટલમાં ગુંડા ઘૂસી ગયા તે અંગે તપાસ થાય, જોડે જોડે અમારી માંગ છે કે, હોસ્પિટલમાં કામ કરતા તમામ સુરક્ષિત રહે તેવી વ્યવસ્થા હોવી જોઇએ. અમે સેવા કરી શકીએ, સિક્યોરીટી આપવાનું કામ સરકારનું છે. સામાન્ય લોકો અમારી જોડે ઉભી ન રહી શકે તો, તેઓ પ્રેસીડેન્ટ અને પીએમઓમાં પત્ર લખીને જોડાઇ શકે છે. લોકો પત્ર લખી ન શકે તો તેવા સંજોગોમાં અમે પત્ર તૈયાર રાખ્યા છે. જેમાં વિગત ભરીને મોકલાવી શકે છે. લોકો પણ અમારી લડાઇમાં ભાગ લઇ શકે, અને સમર્થન આપી શકે છે. ઘણા લોકો આ ઘટનાને લઇને જાણકારી રાખે છે, આ ઘટના કોઇની સાથે પણ બની શકે છે. તબિબ સેવાઓ ચાલુ રહેવાથી કોઇને મુશ્કેલી પણ નથી પડતી.
એસએસજી હોસ્પિટલમાં હડતાલમાં જોડાયેલા તબિબ ડો. ચિંતન સોલંકી કહ્યું કે, અમે દર્દીઓને કોઇ પણ પ્રકારની તકલીફ ન પડે તે રીતે વિરોધ કરી રહ્યા છીએ. બધી જ સેવાઓ ચાલુ જ છે. દેશ વ્યાપી હડતાલ કોઇ વ્યક્તિગત મુદ્દાઓ માટે નથી. રેસીડેન્ટ ડોક્ટરોની માંગ સંતોષાય, અને બરોડા મેડીકલ કોલેજના પ્રશ્નો ઉકેલાય તેવી માંગ છે. અમે અમારી ફરજ સમયને પાબંધ નથી. અમે 24 કલાક હાજર રહીએ છીએ. આ મુદ્દાઓ માત્ર ડોક્ટર્સના જ નહી પરંતુ જાહેર લોકોને સ્પર્શતા મુદ્દાઓના છે. અમારી માંગને લઇને અમે ડીન-સુપ્રીટેન્ડેન્ટને રજુઆત કરીશું. એસએસજી હોસ્પિટલમાંથી રેલીનું આયોજન છે. તેમાં ખાનગી પ્રેક્ટીસનર પણ જોડાશે.