Vadodara

પોલીસની ઢીલી નીતિ? સહજાનંદ ફ્લેટમાં મહિલાઓ પર હુમલા બાદ માંજલપુર પોલીસે પીડિતોને આખી રાત બેસાડી રાખ્યા

Published

on

  • રહેણાંક વિસ્તારમાં ખૌફ: વડસરના સહજાનંદ ફ્લેટના ઘર નંબર 505માં ટોળાનો હિંસક હુમલો; ઘરમાં મચાવી તોડફોડ.
  • મહિલાઓ અસુરક્ષિત: યુવતીને ઢસડી અને સગર્ભા મહિલાને પણ ધક્કે ચઢાવી; 15 થી 20 શખ્સોએ મચાવ્યો આતંક.
  • પોલીસની ઉદાસીનતા: “માંજલપુર પોલીસે સવાર સુધી બેસાડી રાખ્યા” – પીડિત પરિવારનો પોલીસ સ્ટેશનમાં જ રોષ.
  • જૂની અદાવત: અગાઉના ઝઘડાનું વેર વાળવા રાત્રિના 10 વાગ્યે હુમલાખોરોએ મચાવ્યું તાંડવ.

વડોદરા: સંસ્કારી નગરી વડોદરામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોય તેમ વડસર વિસ્તારમાં એક હચમચાવનારી ઘટના સામે આવી છે. વડસર ગામ પાસે આવેલા સહજાનંદ ફ્લેટમાં મોડી રાત્રે 15 થી 20 શખ્સોના ટોળાએ એક પરિવાર પર જીવલેણ હુમલો કર્યો હતો. જૂની અદાવતમાં હુમલાખોરોએ માન મર્યાદા નેવે મૂકી મહિલાઓ અને સગર્ભા પર પણ હાથ ઉપાડ્યો હોવાના આક્ષેપો ઉઠ્યા છે.

🧐ઘરમાં ઘૂસી મચાવ્યું તાંડવ:

પરિવારની મહિલાઓના જણાવ્યા અનુસાર, રાત્રિના 10 વાગ્યાના સુમારે જ્યારે પુરુષો ઘરે નહોતા, ત્યારે અચાનક 15 થી 20 જણાનું ટોળું ઘર નંબર 505 પર ધસી આવ્યું હતું. હુમલાખોરોએ ઘરમાં રહેલા ફર્નિચર અને અન્ય સામાનની તોડફોડ કરી હતી. એટલું જ નહીં, ઘરમાં હાજર મહિલાઓ સાથે છૂટા હાથની મારામારી કરી, એક યુવતીને ઢસડી હતી અને એક સગર્ભા મહિલાને પણ જોરદાર ધક્કો મારી પછાડી દીધી હતી.

👮પોલીસ સ્ટેશનમાં પણ હાલાકી:

પીડિત પરિવારે માંજલપુર પોલીસ મથકની કામગીરી પર ગંભીર આક્ષેપો કર્યા છે. પરિવારનું કહેવું છે કે, હુમલા બાદ તુરંત પોલીસ સ્ટેશન પહોંચવા છતાં પીએસઓએ (PSO) તેમને સવાર સુધી બેસાડી રાખ્યા હતા. જ્યારે મામલો ઉગ્ર બન્યો અને હોબાળો થયો, ત્યારે છેવટે પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી.

🫵તંત્ર સામે સવાલ:

શાંતિપ્રિય ગણાતા રહેણાંક વિસ્તારોમાં જો 15-20 લોકોનું ટોળું આ રીતે ઘરમાં ઘૂસીને આતંક મચાવતું હોય, તો સામાન્ય નાગરિક ક્યાં સુરક્ષિત છે? પીડિત પરિવારે ન્યાયની માંગ સાથે હુમલાખોરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. હાલમાં માંજલપુર પોલીસ સમગ્ર મામલે તપાસ ચલાવી રહી છે.

જૂની અદાવતની આગમાં જ્યારે મહિલાઓનો ભોગ લેવાય અને પોલીસ કલાકો સુધી ફરિયાદ ન નોંધે, ત્યારે સિસ્ટમ સામે સવાલો ઉઠવો સ્વાભાવિક છે.

Trending

Exit mobile version