- શ્રદ્ધાસ્થાન પર હુમલો: નશામાં ધૂત ડમ્પર ચાલકે નારેશ્વર ખાતે નર્મદા ઘાટના 80 થી 100 પગથિયાં પાસે ડમ્પર દોડાવી કેબીન અને પગથિયાંને તોડી પાડ્યા હતા.
- મોટી દુર્ઘટના ટળી: અધિક માસ હોવા છતાં રાત્રિના સમયને લીધે નદી કિનારે ભક્તોની અવરજવર ઓછી હતી, જેના કારણે મોટી જાનહાનિ થતા રહી ગઈ હતી.
- ચાલકની ધરપકડ: સ્થાનિકોએ ડમ્પર ચાલક અલ્કેશ કટારાને ઝડપી પાડ્યો હતો અને તેને પોલીસને સોંપી દીધો હતો.
- રેતી ખનન સામે આક્રોશ: નારેશ્વરના રહીશોએ વારંવાર બનતા અકસ્માતો અને બેદરકાર ડમ્પર ચાલકોની દાદાગીરી સામે રેતી ખનન સંપૂર્ણ બંધ કરવાની માંગ કરી છે.
વડોદરા જિલ્લાના પવિત્ર યાત્રાધામ નારેશ્વરમાંથી એક હચમચાવી દે તેવા સમાચાર સામે આવ્યા છે. અહીં રેતી માફિયાઓ અને બેફામ ડમ્પર ચાલકોનો આતંક એટલી હદે વધી ગયો છે કે પવિત્ર નર્મદા ઘાટ પણ હવે સુરક્ષિત નથી રહ્યો. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પવિત્રસ્થાન પર ગઈકાલે રાત્રે એક નશામાં ધૂત ડમ્પર ચાલકે આસ્થાના કેન્દ્ર સમાન નર્મદા ઘાટના પગથિયાં પર જ આખું ડમ્પર દોડાવી દીધું! સદનસીબે રાત્રિનો સમય હોવાથી મોટી જાનહાનિ ટળી છે, પરંતુ આ ઘટનાએ સ્થાનિક તંત્રની ઘોર નિદ્રા ઉડાવી દીધી છે.
કરજણ તાલુકાના પવિત્ર યાત્રાધામ નારેશ્વરના, જ્યાં ગઈકાલે રાત્રે એક કાળજું કંપાવી દે તેવી ઘટના બનતા અટકી છે. અધિક માસ ચાલી રહ્યો હોવાથી નારેશ્વર ઘાટ પર હજારો ભક્તોની ભીડ રહે છે, ત્યારે રાત્રિના સમયે રેતી ભરેલું ડમ્પર લઈને આવેલા એક નશામાં ધૂત ચાલકે તમામ હદો વટાવી દીધી. બેફામ ગતિએ આવતા ડમ્પરે નર્મદા ઘાટના 80 થી 100 જેટલા સુંદર પગથિયાં પર સીધું ડમ્પર ઉતારી દીધું હતું!
આ બેદરકારીને કારણે ઘાટની આસપાસ આવેલી કેબીનો કચ્ચરઘાણ વળી ગઈ હતી અને આસ્થાના પ્રતીક સમાન પગથિયાં પણ તૂટી ગયા હતા. આ આખું ડમ્પર નદી પાસે આવેલા કુંડ સાથે ધડાકાભેર અથડાઈને અટક્યું હતું. જો આ ઘટના દિવસે બની હોત, તો ઘાટ પર સ્નાન કરતા સેંકડો ભક્તોના જીવ જઈ શક્યા હોત.
ઘટનાને પગલે સ્થાનિક રહીશો તાત્કાલિક દોડી આવ્યા હતા અને ભારે હોબાળો મચાવ્યો હતો. લોકોએ ભાગવાનો પ્રયાસ કરતા નશાખોર ડ્રાઈવર અલ્કેશ કટારાને રંગેહાથ ઝડપી પાડી પોલીસના હવાલે કર્યો છે. નારેશ્વર અને કરજણ પંથકમાં અકસ્માતોની હારમાળા સર્જતા આ રેતીના ડમ્પરો સામે હવે જનતાનો આક્રોશ ફાટી નીકળ્યો છે. ગ્રામજનોની એક જ માંગ છે કે આ ગેરકાયદેસર રેતી ખનન અને બેફામ ડમ્પરોની અવરજવર કાયમી ધોરણે બંધ કરવામાં આવે.