વડોદરા શહેરના વિકાસને નવી ગતિ આપવા માટે આજે પાલિકાની વડી કચેરી ખાતે સ્થાયી સમિતિની એક મહત્વની બેઠક અધ્યક્ષ ડો. શીતલ મિસ્ત્રીની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આ બેઠકમાં શહેરના વિવિધ વિસ્તારોમાં પાયાની સુવિધાઓ સુધારવા માટે કુલ 30 દરખાસ્તો રજૂ કરવામાં આવી હતી.
લાંબી ચર્ચા અને વિચારણાના અંતે, સમિતિ દ્વારા 29 કામોને બહુમતી સાથે મંજૂરી આપવામાં આવી છે, જ્યારે એક દરખાસ્તને માત્ર જાણ હેઠળ લેવામાં આવી છે. પાલિકા આ વખતે ખાસ કરીને રોડ નેટવર્ક, પાણી પુરવઠો અને વરસાદી ગટર જેવી જરૂરિયાતો પર કરોડો રૂપિયાનો ખર્ચ કરવા જઈ રહી છે.
📍મુખ્ય નિર્ણયો
- નવા RCC રોડનું નિર્માણ: શહેરના પશ્ચિમ અને દક્ષિણ ઝોનમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે મોટા પાયે આયોજન કરાયું છે.
- ઊંડેરા વિસ્તાર: મસાણી માતાના મંદિરથી રેલવે ટ્રેક સુધી આશરે ₹12.89 કરોડના ખર્ચે 24 અને 18 મીટરના રસ્તાઓ બનશે.
- બાજવા વિસ્તાર: બાજવા ગરનાળાથી મ્યુનિસિપલ હદ સુધી ₹14.54 કરોડના ખર્ચે નવો 24 મીટરનો રસ્તો તૈયાર કરવામાં આવશે.
- વરસાદી ગટર અને પાણી પુરવઠો: ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા નિવારવા માટે વોર્ડ નંબર 10 અને 16માં નવી વરસાદી ગટર લાઈનો માટે મંજૂરી અપાઈ છે.
- શુદ્ધ પાણી માટે વોર્ડ નંબર 4, 6, 15, 16, 17, 18 અને 19 માં નવી પાઈપલાઈન નાખવા અને નિભાવણીના કામોને લીલી ઝંડી મળી છે.
- રોડ સેફ્ટી: ચારેય ઝોનમાં રોડ સેફ્ટી વધારવા માટે થર્મોપ્લાસ્ટિક પેઈન્ટના કામો માટે વધારાના 50-50 લાખ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.
🧐સ્થાયી સમિતિના અધ્યક્ષે તમામ વિભાગોને આદેશ આપ્યો છે કે આ તમામ પ્રોજેક્ટ્સ નિર્ધારિત સમય મર્યાદામાં પૂર્ણ થાય જેથી નાગરિકોને સુવિધાનો લાભ વહેલી તકે મળી શકે.