વડોદરા, ફતેગંજ શહેરમાં બાળકો પાસે ભીખ મંગાવવાના દૂષણને ડામવા માટે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠક બાદ ‘ટાસ્ક ફોર્સ’ એક્શનમાં આવી છે. આ ટીમે ફતેગંજ વિસ્તારમાં ઓપરેશન હાથ ધરીને ભિક્ષાવૃત્તિ કરાવતા તત્વો સામે કાયદાકીય સકંજો કસ્યો છે.
👉સંયુક્ત ટીમોનું ઓપરેશન
બાળકોના ભવિષ્ય સાથે થતા ચેડાં રોકવા માટે નીચે મુજબની સંસ્થાઓએ સંયુક્ત ઝુંબેશ ચલાવી હતી:
- ચાઈલ્ડ વેલ્ફેર કમિટી (CWC)
- એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU)
- જિલ્લા બાળ સુરક્ષા એકમ
- વડોદરા પોલીસની ‘શી ટીમ’
📍ઘટનાની વિગત
ટાસ્ક ફોર્સ દ્વારા ફતેગંજ સર્કલ પાસે ટ્રાફિક સિગ્નલ પર વોચ રાખવામાં આવી હતી. આ દરમિયાન કેટલાક બાળકો ભીખ માંગી રહ્યા હતા. પોલીસને જોતા જ એક મહિલાએ ઈશારો કરતા બાળકો જીવના જોખમે વાહનો વચ્ચેથી ભાગી છૂટ્યા હતા. બાળકોને ઈજા ન થાય તે હેતુથી પોલીસે તેમનો પીછો કરવાનું ટાળ્યું હતું.
જોકે, આ કાર્યવાહી દરમિયાન બાજવા વિસ્તારની કેસરીબેન નામની મહિલા પોતાની બે વર્ષની બાળકી સાથે ઝડપાઈ ગઈ હતી.
❓કેમ નોંધાઈ ફરિયાદ?
પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે કેસરીબેનનું અગાઉ ત્રણ વખત કાઉન્સિલિંગ કરવામાં આવ્યું હતું. ચોથી વખત જ્યારે તેને પકડવામાં આવી ત્યારે તેણે ફરીથી આવું ન કરવાની બાંયધરી આપી હતી, જેના આધારે તેને છોડી મૂકવામાં આવી હતી. આમ છતાં, પાંચમી વખત તે ભિક્ષાવૃત્તિ કરતા ઝડપાતા, ફતેગંજ પોલીસ સ્ટેશનમાં તેની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
🫵 છેલ્લા 40 દિવસમાં અંદાજે 60 જેટલા બાળકોના વાલીઓનું કાઉન્સિલિંગ કરવામાં આવ્યું હોવા છતાં, આ પ્રથમ કિસ્સો છે જેમાં કોઈ વાલી સામે સીધી પોલીસ ફરિયાદ થઈ હોય.