અકસ્માત:વોર્ડ 12 ની કચરા ગાડી પલટી, ડ્રાઈવરની બેદરકારી સામે આવી.
ઈજા:ગાડીમાં સવાર મજૂર ગંભીર રીતે ઈજાગ્રસ્ત.
સ્થળની શંકા: શહેરની હદમાં રહેલી ગાડી ચાંપડ ગામ (હદ બહાર) માં જોવા મળી.
નિયમોનું ઉલ્લંઘન:અકસ્માતગ્રસ્ત ગાડી પર કોઈ પણ પ્રકારની નંબર પ્લેટ નથી.
સવાલ:કોના આદેશથી ગાડી હદ બહાર ગઈ? શું આમાં કોઈ મોટા અધિકારીની સંડોવણી છે?
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ નંબર 12 માં આજે એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. કોર્પોરેશનની કચરા ગાડીના ડ્રાઈવરની બેદરકારીને કારણે ગાડી રોડ પર પલટી મારી ગઈ છે, જેમાં એક નિર્દોષ મજૂર લોહીલુહાણ થયો છે. પરંતુ આ અકસ્માત કરતા પણ મોટો પ્રશ્ન એ છે કે, વડોદરા શહેરની હદમાં કામ કરતી આ ગાડી છેક ચાંપડ ગામમાં શું કરી રહી હતી?
ઘટનાની વિગત મુજબ, વોર્ડ 12 ની આ ગાડી તેના ડ્રાઈવરના ખરાબ ડ્રાઈવિંગને કારણે રોડ પર પલટી ખાઈ ગઈ હતી. અકસ્માતમાં ગાડીમાં સવાર મજૂરને ગંભીર ઈજાઓ પહોંચી છે. આશ્ચર્યની વાત તો એ છે કે, આ સરકારી ગાડી પર કોઈ નંબર પ્લેટ પણ જોવા મળી નથી. સ્થાનિક સામાજિક કાર્યકર રાકેશ ઠાકોરે આ મામલે તંત્રને આડેહાથ લીધું છે.
(રાકેશ ઠાકોર)
“આ ગાડી વોર્ડ 12 ની છે, તો પછી વડોદરાની હદ છોડીને ચાંપડ ગામ કોના કહેવાથી ગઈ હતી? શું અધિકારીઓની રહેમનજર હેઠળ આ ગાડીઓનો ખાનગી ઉપયોગ થઈ રહ્યો છે? ગાડી પર નંબર પ્લેટ કેમ નથી? આ સીધો ભ્રષ્ટાચાર અને બેદરકારીનો મામલો છે.”
આ અકસ્માતે કોર્પોરેશનની કામગીરી પર અનેક શંકાઓ જન્માવી છે. વોર્ડ 12 ની ગાડીઓ શહેરની સફાઈ કરવાને બદલે હદ બહારના ગામોમાં કોના ઓર્ડરથી જાય છે? શું આ ગાડીઓનો ઉપયોગ કોઈ અંગત કામ માટે કરવામાં આવી રહ્યો હતો? નંબર પ્લેટ વગર રસ્તા પર દોડતી આ ગાડીઓ સામે ટ્રાફિક પોલીસ કે પાલિકા તંત્ર કેમ મૌન છે?
🧐વડોદરાના કરદાતાઓના પૈસે ચાલતી ગાડીઓ જ્યારે હદ બહારના કામોમાં વપરાતી હોય અને તેમાં અકસ્માત સર્જાય, ત્યારે જવાબદારી કોની? રાકેશ ઠાકોર દ્વારા ઉઠાવવામાં આવેલા આ પ્રશ્નોનો જવાબ હવે વોર્ડ 12 ના અધિકારીઓએ આપવો પડશે.