દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર આજે સવાર મધ્યપ્રદેશના રતલામ નજીક અકસ્માતની દહેશતજનક ઘટના બની. ભીમપુરા ગામ પાસે માહી નદીના પુલ પરથી એક કાર બેફામ થઈ નદીમાં ખાબકી હતી. આ ભયાનક અકસ્માતમાં કારમાં સવાર પાંચેય લોકોના મોત થયા છે, જેમાં વડોદરાના બે યુવકોનો પણ સમાવેશ થાય છે.
પ્રાપ્ત માહિતી મુજબ, કાર મુંબઈ તરફ જઈ રહી હતી. વહેલી સવારે કાર પુલ પરથી પસાર થતી વખતે ડ્રાઇવરને અચાનક ઝોકું આવી જતાં સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યું અને કાર રેલિંગ તોડીને સીધી નદીમાં ખાબકી ગઈ. અકસ્માત એટલો ગંભીર હતો કે કારમાં સવાર તમામ લોકોએ ઘટનાસ્થળે જ પ્રાણ ગુમાવ્યા.મૃતકોની ઓળખ ખાલીસ ચૌધરી અને અબ્દુલ ગુલામ (બન્ને વડોદરા), દુર્ગેશ પ્રસાદ (ડ્રાઈવર, 35, મુંબઈ), દાનિશ ચૌધરી (15, મુંબઈ) અને ગુલામ રસૂલ (70, મુંબઈ) તરીકે થઈ છે.
આ દુર્ઘટનાની જાણ થતાં જ પોલીસ અને એમ્બ્યુલન્સની ટીમોએ ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી શરૂ કરી. તમામ મૃતદેહોને નદીમાંથી બહાર કાઢી રતલામ મેડિકલ કોલેજ મોકલાયા છે. પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ શરૂ કરી છે. બીજી તરફ પાંચેયના મોતથી વડોદરા અને મુંબઈના પરિવારોમાં શોકની છાયા છવાઈ ગઈ છે.