Vadodara

સ્માર્ટ સિટીમાં ‘બેદરકારી’નો વિસ્ફોટ!
ભાયલીમાં રોડની કામગીરી દરમિયાન ગેસ લાઈન ફાટી

Published

on

“કોન્ટ્રાક્ટરો પાસે ભૂગર્ભ લાઈનોના કોઈ નકશા હોતા નથી. જો ગેસ ગળતરને કારણે નાનકડી ચિંગારી પણ ચાંપી હોત, તો અહીં મોટી જાનહાનિ થઈ શકત.”-સ્થાનિક

  • વડોદરામાં ભાયલીમાં રોડની કામગીરી દરમિયાન ગેસ લાઈન ફાટી: મોટી હોનારત ટળી.
  • કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી; નકશા વગર આડેધડ ખોદકામ કરતા સર્જાયો અકસ્માત.
  • VGL દ્વારા ગેસ સપ્લાય બંધ કરાયો, હજારો રહીશોમાં ફફડાટ અને રોષ.

વડોદરા શહેરને સ્માર્ટ સિટી બનાવવાની વાતો વચ્ચે કોન્ટ્રાક્ટરોની ગંભીર બેદરકારી ફરી એકવાર સામે આવી છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ભાયલી ગામ પાસે ડી-માર્ટની એકદમ નજીક આજે એક મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઈ. રોડ બનાવવાની કામગીરી દરમિયાન જેસીબી દ્વારા કરવામાં આવેલા ખોદકામમાં ગેસની મુખ્ય લાઈન તોડી પાડવામાં આવી, જેના કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.

મળતી વિગતો અનુસાર, ભાયલી ડી-માર્ટ પાસે છેલ્લા કેટલાક સમયથી નવો રોડ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. આજે ધોળે દિવસે જ્યારે જેસીબી મશીન દ્વારા ખોદકામ કરવામાં આવી રહ્યું હતું, ત્યારે અચાનક જમીનમાં રહેલી વડોદરા ગેસ લિમિટેડ (VGL) ની મુખ્ય લાઈનમાં મોટું પંચર પડ્યું હતું. લાઈન ફાટતાની સાથે જ ગેસના પ્રેશરને કારણે જોરદાર અવાજ સંભળાયો હતો અને ગણતરીની મિનિટોમાં ગેસની તીવ્ર દુર્ગંધ આસપાસના રહેણાંક વિસ્તારોમાં ફેલાઈ ગઈ હતી.

ઘટનાને પગલે સ્થાનિક રહીશો અને વાહનચાલકોમાં નાસભાગ મચી ગઈ હતી. સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો છે કે, “કોન્ટ્રાક્ટરો પાસે ભૂગર્ભ લાઈનોના કોઈ નકશા હોતા નથી. જો ગેસ ગળતરને કારણે નાનકડી ચિંગારી પણ ચાંપી હોત, તો અહીં મોટી જાનહાનિ થઈ શકત.”

🧐તંત્રની કામગીરી

ગેસ ગળતરની ગંભીરતા જોતા વડોદરા ગેસ લિમિટેડનો ટેકનિકલ સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. તકેદારીના ભાગરૂપે આખા વિસ્તારનો ગેસ પુરવઠો તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યો છે. VGL ના અધિકારીઓના જણાવ્યા મુજબ, સમારકામમાં ઓછામાં ઓછા બે કલાકનો સમય લાગશે, ત્યાં સુધી સ્થાનિકોએ ગેસ વગર રહેવું પડશે.

વડોદરામાં આ કોઈ પહેલી ઘટના નથી. અગાઉ પણ ગોલ્ડન ચોકડી અને હરણી જેવા વિસ્તારોમાં આવી જ રીતે ગેસ લાઈનો તોડવા બદલ કોન્ટ્રાક્ટરોને લાખોનો દંડ ફટકારવામાં આવ્યો છે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે, વડોદરા મહાનગરપાલિકા આ કોન્ટ્રાક્ટર સામે માત્ર નોટિસ આપીને સંતોષ માનશે કે પછી તેને ‘બ્લેકલિસ્ટ’ કરી કોઈ દાખલો બેસાડશે?

Trending

Exit mobile version