- ચૂંટણીનો ગરમાવો: વડોદરાના 4 ઝોનમાં ભાજપના નિરીક્ષકો સમક્ષ દાવેદારોનો મેળાવડો; આજથી પ્રક્રિયાનો પ્રારંભ.
- ભારે ઉત્સાહ: એક-એક વોર્ડમાં 150 થી 200 કાર્યકર્તાઓએ ટિકિટ માંગી; ટોકન પદ્ધતિથી લેવાયા બાયોડેટા.
- વિલંબથી શરૂઆત: 9 વાગ્યાનો સમય હોવા છતાં નિરીક્ષકો મોડા આવતા અનેક સ્થળે 11 વાગ્યે પ્રક્રિયા શરૂ થઈ.
- સીટ માટે હોડ: કાર્યકર્તાઓએ પત્નીઓ માટે પણ નોંધાવી દાવેદારી; “કોઈની ભલામણ નહીં ચાલે” ના નિવેદન વચ્ચે લોબિંગ તેજ.
વડોદરા: વડોદરા મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને રાજકીય પક્ષો એક્શન મોડમાં આવી ગયા છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા પૂર્વ તૈયારીઓના ભાગરૂપે 1 અને 2 એપ્રિલના રોજ શહેરના ચાર ઝોનમાં દાવેદારોની પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. શહેરના અલગ-અલગ 4 પાર્ટી પ્લોટમાં પ્રદેશ નિરીક્ષકોની ઉપસ્થિતિમાં ટિકિટ વાંચ્છુઓનો મોટો મેળાવડો જોવા મળી રહ્યો છે.
🧐સમયપાલનનો અભાવ અને કાર્યકર્તાઓનો ધસારો:
આજે સવારે 9 વાગ્યાથી દાવેદારો પાસેથી બાયોડેટા લેવાની પ્રક્રિયા શરૂ થવાની હતી. જોકે, કેટલીક જગ્યાએ નિરીક્ષકો મોડા પડતા 11 વાગ્યા સુધી કાર્યકર્તાઓએ રાહ જોવી પડી હતી. તેમ છતાં, ઉત્સાહમાં કોઈ કમી જોવા મળી નહોતી. ભીડને કાબૂમાં રાખવા માટે ‘વહેલો તે પહેલો’ ના ધોરણે ટોકન પદ્ધતિ અમલમાં મૂકવામાં આવી હતી. દરેક વોર્ડ દીઠ અંદાજે 150 થી 200 કાર્યકર્તાઓ પોતાની દાવેદારી નોંધાવવા પહોંચ્યા છે.
🤫ભલામણ કે ભોગવટો? :
પ્રદેશ ભાજપ પ્રમુખે અગાઉ મધ્ય ગુજરાતની બેઠકમાં સ્પષ્ટ કર્યું હતું કે દાવેદારોની પસંદગીમાં કોઈની ભલામણ સ્વીકારવામાં આવશે નહીં. જોકે, આ નિવેદન બાદ કાર્યકર્તાઓમાં ગણગણાટ શરૂ થયો છે. કેટલાક પાયાના કાર્યકરો ચર્ચા કરી રહ્યા છે કે ખરેખર લાયકને ટિકિટ મળશે કે પછી અગાઉની જેમ ‘હજૂરિયા’ કાર્યકર્તાઓને ટિકિટ પધરાવી દેવામાં આવશે? આશ્ચર્યજનક બાબત એ છે કે, અનેક કાર્યકર્તાઓ પોતાના બદલે પોતાની પત્નીને ચૂંટણી લડાવવા માટે દાવેદારી કરવા પહોંચ્યા હતા.
📌3000 થી વધુ દાવેદારો:
આજે સવારથી શરૂ થયેલી આ પ્રક્રિયા આવતીકાલે પણ ચાલુ રહેશે. બે દિવસના આ મેળાવડામાં અંદાજે 3000 જેટલા કાર્યકર્તાઓ ટિકિટ માટે પોતાની ઉમેદવારી નોંધાવે તેવી શક્યતા છે. પ્રદેશ નિરીક્ષકો આ તમામ બાયોડેટા એકઠા કરીને પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડને સોંપશે, જ્યાં અંતિમ નામો પર મહોર મારવામાં આવશે.
🫵ટિકિટ માંગનારાઓની આ લાંબી લાઈન સાબિત કરે છે કે ભાજપમાં અંદરખાને પણ સ્પર્ધા ખૂબ મોટી છે. હવે જોવાનું એ રહેશે કે ‘નો રીપીટ થીયરી’ આવે છે કે પછી જૂના જોગીઓ જ મેદાન મારશે.