વડોદરા પોલીસના નામે રોફ ઝાડીને લોકો પાસેથી તોડબાજી કરતા વધુ એક ડુપ્લીકેટ પોલીસ અધિકારીનો પર્દાફાશ થયો છે. વડોદરા એસઓજી (SOG) એ તાંદલજા વિસ્તારમાં દરોડો પાડીને એક એવા ગઠીયાને ઝડપી પાડ્યો છે, જે PSI બનીને સામાન્ય જનતા અને ડ્રાઈવરોને ધમકાવી ખંડણી ઉઘરાવતો હતો.
વડોદરાના તાંદલજા વિસ્તારમાં આવેલા ઝમઝમ ટાવર પાસેના ‘અલ કબીર બંગ્લોઝ’માં રહેતો મોબિન ઈકબાલ સોદાગર પોલીસના નામે રોફ ઝાડતો હોવાની બાતમી SOGને મળી હતી. બાતમીના આધારે પોલીસે જ્યારે બંગલા પર દરોડો પાડ્યો, ત્યારે અંદરનું દ્રશ્ય જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
🏠બંગલામાંથી મળી પોલીસની ‘કીટ’:
આરોપી મોબિન સોદાગરના ઘરે સર્ચ ઓપરેશન દરમિયાન પોલીસને પોલીસનો યુનિફોર્મ, પીએસઆઇ એમ.આઇ.સોદાગર લખેલી નેમ પ્લેટ, બેલ્ટ અને કેપ મળી આવી હતી. એટલું જ નહીં, આરોપી પાસેથી ગાંધીનગર SITના અધિકારી એમ.જે. ચાવડાની સહીવાળું બોગસ આઈકાર્ડ પણ મળી આવ્યું છે. આરોપી પોતાની ક્રેટા અને અર્ટીકા કારમાં પોલીસની નેમપ્લેટ લગાવીને ફરતો હતો.
🧐ગેરકાયદે કામગીરી અને તોડબાજી:
મોબિન સોદાગર હાલોલ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં PSI બનીને ફરતો હતો. તે રસ્તા પર ડ્રાઈવરોને દમદાટી આપી ઉઘરાણું કરતો અને જમીનના સોદામાં પતાવટ કરાવી મોટી રકમો પડાવતો હતો. તપાસમાં તેની પાસેથી ATS ગુજરાત, એસઆઇટી, અને ચેરિટી કમિશનર જેવા મહત્વના વિભાગોના 22 જેટલા નકલી રબર સ્ટેમ્પ પણ મળી આવ્યા છે.
📍જમીન કૌભાંડની આશંકા:
તપાસ દરમિયાન એવું પણ બહાર આવ્યું છે કે, આરોપીએ પાદરાના વડુ ગામે અન્ય વ્યક્તિના નામે એક વીઘા જમીન પણ ખરીદી છે. આ જમીન માટે તેણે ‘સોદાગર ટ્રસ્ટ’ના નામે નાણાં ચૂકવ્યા હતા. પોલીસે હાલ તેના ત્રણ મોબાઈલ ફોન અને તમામ બોગસ દસ્તાવેજો કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
🚨હાલમાં વડોદરા પોલીસે મોબિન સોદાગર સામે ગુનો નોંધી તેને રિમાન્ડ પર લેવાની તજવીજ હાથ ધરી છે. આ તપાસમાં તે રાજ્યના અન્ય કેટલા વિસ્તારોમાં અને કયા કયા લોકો સાથે છેતરપિંડી કરી ચૂક્યો છે, તેની વિગતો સામે આવવાની શક્યતા છે.