રોજમદારોની વ્યથા:“મોટા પરિવાર અને વાહનની સમસ્યાને કારણે ૧૦ મિનિટ મોડું થઈ શકે, શું આ બેરોજગાર કરવાનો ન્યાય છે?” – કર્મીઓનો સવાલ.
માંગણી ન સંતોષાય તો આંદોલન:અગાઉની માફક ૮:૨૦ સુધીની સમય મર્યાદા યથાવત રાખવા રોજમદાર કર્મચારીઓની માંગ.
વડોદરા: વડોદરાના હૃદય સમાન સયાજીબાગના ઝૂ વિભાગમાં આજે સવારે હંગામો મચી ગયો હતો. વર્ષોથી રોજમદાર તરીકે ફરજ બજાવતા માનવદિન કર્મચારીઓને અધિકારીઓની મનમાનીનો ભોગ બનવું પડ્યું છે. સવારે માત્ર ૧૦ મિનિટ મોડા આવવાના બહાને કર્મચારીઓને ફરજ પર લેવાને બદલે ગેટ બંધ કરી દેવામાં આવતા કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
સમયના વિવાદમાં માનવતા ક્યાં?
કર્મચારીઓના જણાવ્યા મુજબ, તેઓ સવારે ૮:૧૦ વાગ્યે ફરજ પર હાજર થયા હતા, પરંતુ અધિકારી મોહિત વણઝારા દ્વારા ગેટને લોક કરી દેવામાં આવ્યું હતું. કર્મચારીઓને સ્પષ્ટ કહી દેવામાં આવ્યું કે, “તમારી હાજરી ભરાશે નહીં, તમે ઘરે જતા રહો.” આ આદેશને પગલે રોજમદારોના પરિવારો પર આર્થિક સંકટ તોળાયું છે.
☝️કર્મચારીઓની વાસ્તવિક સમસ્યા:
વિરોધ પ્રદર્શન કરી રહેલા કર્મચારીઓએ પોતાની વેદના ઠાલવતા કહ્યું કે, મોટા પરિવારમાં રહેતા હોવાથી અને વાહન વ્યવહારની સમસ્યાને કારણે ક્યારેક ૧૦-૧૫ મિનિટનો વિલંબ થઈ શકે છે. અગાઉ ૮:૨૦ વાગ્યા સુધી હાજરી ભરવા દેવામાં આવતી હતી, પરંતુ હવે અચાનક અધિકારીઓ મનસ્વી વલણ અપનાવી રહ્યા છે. ગરીબ કર્મચારીઓનું શોષણ બંધ કરી જૂનો સમયગાળો યથાવત રાખવા વિનંતી કરવામાં આવી છે.
🧐આગામી રણનીતિ:
રોજમદાર કર્મચારીઓએ ચીમકી ઉચ્ચારી છે કે જો તેમને ફરીથી ફરજ પર લેવામાં નહીં આવે અને સમય બાબતે લવચીકતા દાખવવામાં નહીં આવે, તો તેઓ આગામી દિવસોમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરશે. આ વિવાદને કારણે પ્રાણી સંગ્રહાલયની સફાઈ અને અન્ય વ્યવસ્થાઓ પર પણ અસર પડવાની શક્યતા છે.
👉પાલિકાના અધિકારીઓ શિસ્તના નામે રોજમદારોની રોજીરોટી છીનવી રહ્યા છે કે કેમ તે હવે તપાસનો વિષય છે.