પ્રશ્નોનો મારો:પ્રથમ અને બીજા રાઉન્ડ પૂર્ણ થયા છતાં પ્રવેશ કેમ નહીં? ૮ જૂનથી શાળાઓ શરૂ થવાની હોવાથી વાલીઓની ચિંતામાં વધારો.
આંદોલનની ચીમકી:પાત્ર તમામ બાળકોને તાત્કાલિક પ્રવેશ આપવાની માંગ; તંત્ર દ્વારા યોગ્ય નિર્ણય ન લેવાય તો ઉગ્ર આંદોલનની ચીમકી.
વડોદરા: વડોદરામાં RTE (રાઇટ ટુ એજ્યુકેશન) હેઠળ પ્રવેશ મેળવવા માટે બાળકોના વાલીઓ હાલ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. અનેક આંગણવાડીના બાળકોના તમામ જરૂરી દસ્તાવેજો પૂર્ણ હોવા છતાં તેમને શાળામાં એડમિશન ન મળતા વાલીઓમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
❓વાલીઓના ગંભીર સવાલો:
આજે મોટી સંખ્યામાં એકત્ર થયેલા વાલીઓએ જિલ્લા શિક્ષણાધિકારી (DEO) કચેરીએ પહોંચીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. વાલી અનીશભાઈએ મીડિયા સમક્ષ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે,
“પ્રથમ અને બીજા રાઉન્ડની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને હવે ત્રીજા રાઉન્ડની તૈયારી ચાલી રહી છે, તેમ છતાં અમારા બાળકોને પ્રવેશથી વંચિત રાખવામાં આવ્યા છે. દસ્તાવેજોમાં ભૂલ સુધાર્યા પછી પણ એડમિશન ન મળવું તે તંત્રની નિષ્ક્રિયતા દર્શાવે છે.”
🧐ભ્રષ્ટાચારની આશંકા:
વાલીઓએ પ્રવેશ પ્રક્રિયામાં પારદર્શિતા સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે આક્ષેપ કર્યો છે કે, જો તમામ દસ્તાવેજો પૂર્ણ હોય તો બાળકોને પ્રવેશ કેમ નથી મળતો? શું પૈસા લઈને અન્ય વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે? આગામી ૮ જૂનથી શાળાઓ શરૂ થવાની હોવાથી બાળકોનું ભવિષ્ય બગડવાની ચિંતામાં વાલીઓ હવે આરપારની લડાઈના મૂડમાં છે.
🫵શિક્ષણનો અધિકાર મેળવવા માટે વાલીઓએ કચેરીઓના ધક્કા ખાવા પડે તે અત્યંત કમનસીબ બાબત છે. હવે જોવું રહ્યું કે તંત્ર આ મામલે કેટલી ઝડપથી યોગ્ય નિર્ણય લે છે અને કેટલા બાળકોને ન્યાય મળે છે.