અમદાવાદની ગુજરાત યુનિવર્સિટી આજે રણમેદાનમાં ફેરવાઈ હતી
- ભરતી પ્રક્રિયામાં મોટાપાયે ગેરરીતિના આક્ષેપો સાથે NSUI ના ઉગ્ર દેખાવો: શુક્રવારે કેમ્પસમાં પોલીસ છાવણીમાં ફેરવાયું.
- મળતિયાઓને ગોઠવવા નિયમોમાં ફેરફાર કરાયાનો આરોપ: મહિલા ઉમેદવારોની વય મર્યાદાના સુધારા રદ કરવા માંગ.
- કુલપતિ પર આકરા પ્રહાર: ‘પસંદ કરાયેલા નામોનું લિસ્ટ અમારી પાસે છે, પાપ છુપાવવા રજા જાહેર કરી દરવાજા લોક કરાયા.’
રાજ્યમાં અમદાવાદની ગુજરાત યુનિવર્સિટી આજે રણમેદાનમાં ફેરવાઈ હતી. યુનિવર્સિટીમાં ચાલી રહેલી વિવિધ ભરતી પ્રક્રિયામાં ગેરરીતિ અને ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો સાથે આજે NSUI દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. NSUI ના કાર્યકરોએ યુનિવર્સિટીના મુખ્ય દરવાજા બંધ કરાવી કામગીરી ઠપ્પ કરી દીધી હતી અને તમામ ભરતી પ્રક્રિયા તાત્કાલિક રદ કરવાની માંગ કરી છે.
🧐ભરતીમાં ગોલમાલના આક્ષેપ:
NSUI ના આગેવાનોએ આક્ષેપ કર્યો છે કે યુનિવર્સિટીમાં હાલ જે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે, તેમાં નિયમો અને રેગ્યુલેશનમાં રાતોરાત ફેરફાર કરવામાં આવ્યા છે. ખાસ કરીને સિનિયર ક્લાર્કની ભરતીમાં માનીતા ઉમેદવારોને ગોઠવવા માટે ધારાધોરણોમાં ફેરફાર કરાયા હોવાનો ગંભીર આરોપ મૂકવામાં આવ્યો છે.
👉વય મર્યાદાનો વિવાદ:
વિરોધ પ્રદર્શન દરમિયાન NSUI એ કુલપતિ પર પ્રહાર કરતા જણાવ્યું કે, જનરલ કેટેગરીની મહિલા ઉમેદવારો માટે વય મર્યાદાના નિયમોમાં જે સુધારા કરાયા છે તે શંકાસ્પદ છે. સાથે જ અનામત વર્ગના ઉમેદવારોને વય મર્યાદામાં મળવી જોઈતી છૂટછાટ આપવામાં અન્યાય થયો હોવાની રજૂઆત કરવામાં આવી છે.
🛑કુલપતિ અને તંત્ર નિશાના પર:
NSUI ના કાર્યકરોએ દાવો કર્યો છે કે, “ભ્રષ્ટાચારી અધિકારીઓ અને કુલપતિને હવે ભય છે કે તેમનું પાપ બહાર આવી જશે. કયા નામો પહેલેથી સિલેક્ટ કરી લેવાયા છે તેનું લિસ્ટ અમારી પાસે છે. સત્ય છુપાવવા માટે જ આજે યુનિવર્સિટીમાં જાહેર રજા આપીને દરવાજા લોક કરી દેવામાં આવ્યા છે અને પોલીસના કાફલા ખડકી દેવાયા છે.”
ઉલ્લેખનીય છે કે, વિવાદોને કારણે અગાઉ ચાર પરીક્ષાઓ મોકૂફ રાખવી પડી હતી, ત્યારે હવે આજની આ ઘટના બાદ યુનિવર્સિટી તંત્ર આ ભરતી પ્રક્રિયા અંગે શું નિર્ણય લે છે તે જોવું રહ્યું. વિદ્યાર્થી સંગઠને સ્પષ્ટ ચીમકી આપી છે કે જો નવેસરથી પારદર્શક ભરતી નહીં થાય તો આંદોલન વધુ તેજ બનશે.