Gujarat

ગાંધીનગર સચિવાલયમાં વિસ્ફોટ: શોર્ટ સર્કિટમાં 4 કર્મચારીઓ દાઝ્યા; પાવરલોડના કારણે ટ્રાન્સમિશનમાં ભડાકો?

Published

on

  • સચિવાલયમાં અફરાતફરી: બ્લોક નંબર 13 પાસે પાવર સપ્લાય ટ્રાન્સમિશનમાં જોરદાર વિસ્ફોટ; 4 કર્મચારીઓ ઈજાગ્રસ્ત.
  • ગંભીર ઈજાઓ: માર્ગ અને મકાન વિભાગના બે વાયરમેન સહિત અન્ય કર્મચારીઓ દાઝ્યા; તમામને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા.
  • વીજ પુરવઠો ઠપ: સ્વર્ણિમ સંકુલ-2 સહિત બ્લોક 8 થી 14 માં વીજળી ગુલ; સાવચેતીના ભાગરૂપે લિફ્ટ સેવાઓ બંધ.
  • પાવરલોડનો વિવાદ: ચેમ્બરોમાં આડેધડ AC ફિટિંગને કારણે વીજ લાઈન પર ભાર વધ્યાની ચર્ચા; માર્ગ-મકાન વિભાગ તપાસમાં જોતરાયું.

ગાંધીનગર: રાજ્યના પાટનગર ગાંધીનગર સ્થિત સચિવાલય પરિસરમાં આજે બપોરે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. નર્મદા વિભાગ અને માર્ગ-મકાન વિભાગની વચ્ચે આવેલા બ્લોક નંબર 13 પાસે પાવર સપ્લાયના ટ્રાન્સમિશન વાયરિંગમાં અચાનક શોર્ટ સર્કિટ થતાં જોરદાર વિસ્ફોટ થયો હતો. આ ઘટનામાં ફરજ પરના માર્ગ અને મકાન વિભાગના બે વાયરમેન ગંભીર રીતે દાઝી ગયા છે, જ્યારે અન્ય બે વ્યક્તિઓને પણ નાની-મોટી ઈજાઓ પહોંચી છે. તમામને તાત્કાલિક સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

સચિવાલયમાં વીજળી ગુલ:

વિસ્ફોટની સીધી અસર વીજ પુરવઠા પર પડી હતી. સ્વર્ણિમ સંકુલ-2 સહિત સચિવાલયના બ્લોક નંબર 8 થી 14 માં અચાનક વીજળી ગુલ થઈ ગઈ હતી. કોઈ મોટી હોનારત ન સર્જાય તે માટે વહીવટી તંત્ર દ્વારા તમામ બ્લોકની લિફ્ટ સેવાઓ તાત્કાલિક ધોરણે બંધ કરી દેવામાં આવી હતી. જોકે, તંત્રની ત્વરિત કામગીરી બાદ સ્વર્ણિમ સંકુલ-2 માં વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરી દેવાયો છે.

શું છે વિસ્ફોટનું કારણ?

સચિવાલયના ગલિયારાઓમાં આ ઘટના પાછળ ‘ઓવરલોડ’ મુખ્ય કારણ હોવાની જોરદાર ચર્ચા ચાલી રહી છે. મળતી માહિતી મુજબ, સરકાર દ્વારા સચિવાલયને સેન્ટ્રલ AC કરવા માટે ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી, પરંતુ અનેક ચેમ્બરોમાં સત્તાવાર મંજૂરી વગર બોર્ડ-નિગમોના સહયોગથી અલગથી સંખ્યાબંધ AC ફિટ કરી દેવાયા હતા. આડેધડ ફિટ કરાયેલા આ AC ના કારણે પાવરલોડ ક્ષમતા કરતા વધી જતાં આ ભડાકો થયો હોવાનું અનુમાન છે. હાલ માર્ગ-મકાન વિભાગ અને વીજ કંપનીની ટીમ સમારકામ કરી રહી છે.

🫵રાજ્યના સૌથી સુરક્ષિત અને વહીવટી કેન્દ્ર ગણાતા સચિવાલયમાં જ આ પ્રકારની ઘટના બનવી તે ગંભીર બાબત છે. શું ખરેખર અનધિકૃત રીતે AC ફિટિંગને કારણે આ હોનારત સર્જાઈ છે? જો એમ હોય તો જવાબદારો સામે શું પગલાં લેવામાં આવશે?

Trending

Exit mobile version